Mumbai, તા. 11
બોલીવુડ અભિનેતા ગોવિંદા પોતાની અંગત જિંદગીને લઈને ફરી એકવાર ભારે વિવાદોમાં ઘેરાયા છે. તાજેતરમાં તેઓ પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકાર સાથે જોવા મળ્યાં હતાં, જેને લઈને તેમની પત્ની સુનિતા આહુજાનું અત્યંત તીખું નિવેદન સામે આવ્યું છે.
જ્યારે પેપરાઝીએ સુનિતાને આ તસવીરો વિશે પૂછ્યું ત્યારે તેમણે રોષે ભરાઈને કહ્યું કે, `તમે લોકોએ ‘વિનાશ કાલે વિપરીત બુદ્ધિ’ કહેવત તો સાંભળી જ હશે. તેમની બુદ્ધિ પૂરી રીતે ભ્રષ્ટ થઈ ચૂકી છે, એટલે જ તેઓ આવી હરકતો કરી રહ્યાં છે.’
જ્યારે સુનિતાને પૂછવામાં આવ્યું કે લોકો હવે ગોવિંદાને ‘ચિટર નંબર વન’ કહી રહ્યાં છે, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ સવાલ ગોવિંદાના ફેન્સને પૂછવો જોઈએ. સુનિતાએ ઉમેર્યું, `જ્યારે પણ હું કંઈ બોલું છું ત્યારે લોકો મને જ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા લાગે છે. હવે હું ઈચ્છું છું કે મીડિયા અને ગોવિંદાના ફેન્સ પોતે જ આ વાતનો જવાબ આપે. મને હવે આ બધી વાતોમાં કોઈ રસ નથી, તે ભાડમાં જાય.’ ઉલ્લેખનીય છે કે સુનિતા અગાઉ પણ પતિ ગોવિંદા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરના ગંભીર આરોપો મૂકી ચૂકી છે.
બીજી તરફ, ગોવિંદાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે 34 વર્ષની ઉંમર સુધી તેઓ અત્યંત સીધા અને ભોળા હતા. આ દરમિયાન તેમણે એક ચર્ચાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે, `તમે મીઠાઈની દુકાનમાં રહો અને ભૂખ્યા બહાર નીકળી જાઓ તો આ કેટલી દુઃખદ વાત છે.` તેમના આ નિવેદન બાદ એવી અટકળો વહેતી થઈ છે કે તેઓ પત્ની દ્વારા લગાવવામાં આવેલા અફેરના આરોપો પર પરોક્ષ રીતે પોતાની સહમતી દર્શાવી રહ્યાં છે.
પત્ની સુનિતા પર પલટવાર કરતાં ગોવિંદાએ ઈશારામાં કહ્યું કે, પોતાનાં જ લોકોની બુરાઈ કરીને પબ્લિસિટી કે સ્ટારડમ મેળવવું એ ખૂબ સરળ રસ્તો છે. તેમણે ઉમેર્યું હતું કે, `સુનિતા આ કામ ખૂબ જ સારી રીતે કરે છે-પહેલાં ચાર શબ્દો તારીફના કહેશે અને પછી એક ખામી કાઢી નાખશે. જોકે મને તેમાં પણ પ્રેમ જ દેખાય છે.’ આમ, આ બોલિવૂડ કપલ વચ્ચેનો વિવાદ હવે જાહેરમાં આવતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

