આધુનિક રોબોટિક ટેકનેલોજી દ્વારા જટિલ યુરોલોજીકલ સર્જરીમાં મહત્વપૂર્ણ સિદ્ધિ
Rajkot તા.૧૧
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કિડની રોગની સંપૂર્ણ સારવાર પૂરી પાડતી ૨૩૮ પથારીની ક્ષમતા ધરાવતી તથા સારવારની ગુણવત્તા માટે એન.એ.બી.એચ. માન્યતા પ્રાપ્ત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, રાજકોટ દ્વારા રોબોટિક સર્જરી ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ટૂંકા ગાળામાં ૫૦થી વધુ અદ્યતન રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.
હોસ્પિટલના રોબોટિક સર્જરી વિભાગ દ્વારા પાર્ટિયલ નેફ્રેક્ટોમી, કિડની કેન્સર સહિતની જટિલ યુરોલોજીકલ સર્જરીઓ તેમજ જન્મજાત જનનાંગની ખોડખાપણ સંબંધિત સર્જરીઓ આધુનિક રોબોટિક ટેકનેલોજીની મદદથી સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે.
રોબોટિક સર્જરી વિભાગના વડા ડો. અમિષ મહેતા જણાવે છે કે સપ્ટેમ્બર-૨૦૨૫ થી આજસુધીના એક વર્ષના ટૂંકા સમયગાળામાં ૫૦થી વધુ રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. રોબોટિક ટેકનેલોજી દ્વારા સર્જરી દરમિયાન વધુ ચોકસાઈ સાથે જટિલ સર્જરી કરવામાં મદદ મળે છે. દર્દીઓમાં સામાન્ય રીતે ઓછો રક્તસ્ત્રાવ, નાના ચીરા, ઓછી પીડા અને ઝડપી રિકવરી જેવા લાભો જોવા મળે છે. જેના પરિણામે દર્દીઓ વહેલા સાજા થાય છે. .
બી.ટી. સવાણી કિડની હોસ્પિટલમાં અનુભવી તબીબો, સર્જનો, નર્સિંગ સ્ટાફ તથા પેરામેડિકલ ટીમના પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર પૂરી પાડવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા સતત નવીન ટેકનેલોજી અપનાવીને જટિલ અને અદ્યતન સારવારની સુવિધા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત આધુનિક સારવાર સમાજના દરેક વર્ગના લોકોને નાત-જાતના ભેદભાવ વગર પૂરો પાડવાનો છે.

