પ્લાયવુડનો ભુક્કો ઉડવા મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી સામ સામે હુમલો કર્યો તો
Rajkot,તા.11
શહેરના નારાયણનગર મેઇન રોડ ઉપર વાહનના સીટ કવરની દુકાનમાંથી પ્લાયવુડનો ભુક્કો ઉડવા મુદ્દે પાડોશી વેપારી વચ્ચે થયેલી માર મારવાના પોણાચાર વર્ષ પહેલાના કેસમાં અદાલતે વેપારીને એક વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ગઈ તારીખ ૦૬- ૦૯- ર૦રરના રોજ શહેરના નારાયણનગર મેઈન રોડ, મયુર એન્ટરપ્રાઈઝ દુકાનમાં દાનાભાઈ ભગવાનભાઈ ગોગરા (રહે. નારાયણનગર, સહકાર રોડ, રાજકોટ) હતા ત્યારે બાજુની સીટ કવરની દુકાનમાં બે ધંધાર્થી ફુટપટ્ટી ઉપર લાકડાની પ્લાયવુડ મશીનથી કાપતા હોય જેનો છોલ મયુર એન્ટરપ્રાઇઝ દુકાનમાં આવતો હોય, જેથી દાનાભાઈએ છોલ પોતાની દુકાનમાં ઉડે નહીં તે રીતે પ્લાયવુડ કાપવાનું કહેતા બંને પાડોશી વેપારી વચ્ચે ઝઘડો થયો હતો તે દરમિયાન એકદમ ઉશ્કેરાઈ જઈ દાનાભાઈ ગોગરાએ પાડોશી વેપારી મનસુખભાઇ અરજણભાઈ જેઠવા અને સંદીપભાઈ મનસુખભાઈ જેઠવા (બંને રહે: ન્યુ રામેશ્વર સોસાયટી, વિરાટનગર મેઈન રોડ, રાજકોટ)ને ધોકા વડે માર માર્યો હતો. જે અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મનસુખભાઈ અરજણ ભાઈ જેઠવાએ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાર્જશીટ બાદ ચાલવા ઉપર આવતા કોર્ટે બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી દાના ભગવાનભાઈ ગોગરાને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૧૦ હજાર દંડ, કલમ ૩૨૩ અન્વયેના ગુન્હામાં પ્રત્યેક આરોપીને છ માસની સાદી કેદની સજા તથા રૂા. ૧,૦૦૦ દંડ પેટે ભરવા જો આરોપીઓ દંડ ભરવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સજા ભોગવવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ અમરભાઈ પરમાર રોકાયા હતા.

