ફરીયાદીને વળતર રૂા.૧.૮૦ લાખ ન ચૂકવે તો આરોપીને વધુ બે માસની સજા
Rajkot તા.૨૩ઃ
શહેરમાં મિત્રદાવે હાથ ઉછીના લીધેલા નાણા પરત કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી ભુરાભાઈ પરમારને એક વર્ષની કેદ અને રૂ. ૧.૮૦ લાખ વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં રહેતા ફરીયાદી લખમણભાઈ ધનજીભાઈ ભીમાણી પાસેથી પરમાર ભુરાભાઈ પબાભાઈ (રહે. શિવપરા-૫, તિરૂપતિનગર સામે, રૈયા રોડ, રાજકોટ)એ મિત્ર સંબંધનાં કારણે તેઓનાં અંગત ઉપયોગ માટે નાણાની જરૂરીયાત હોય, લખમણભાઈ ભીમાણી પાસેથી રૂા.૧.૮૦ લાખ વગર વ્યાજે લઇને પ્રોમિસરી નોટ લખી આપી હતી. સદરહું રકમ પરત માંગતા ભુરાભાઈ પરમારે રૂ.૧.૮૦ લાખનો ચેક આપ્યો હતો.
જે ચેક ફરીયાદીએ તેમની બેંકમાં રજૂ કરાવતા સદરહું ચેક ડેબિટ ફ્રિઝનાં શેરા સાથે પરત ફરેલ, જેની લીગલ નોટીસ પાઠવ્યા છતા જવાબ ન આપતા લખમણભાઇ ભીમાણીએ આરોપી ભુરાભાઈ વિરૂધ્ધ અદાલતમાં ‘‘ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ લેણી રકમ વસુલ મળવા ફરીયાદ દાખલ કરેલી. આ કેસ ચાલી જતાં મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ તથા ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી ભુરાભાઈ પબાભાઈ પરમારને કોર્ટે તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ફરીયાદીને વળતર પેટે રૂા.૧.૮૦ લાખ પુરા એક માસમાં ચુકવી આપવા, જો કસુર કરે તો આરોપીને વધુ બે માસની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે એડવોકેટ આર. ટી. જોલાપરા, રણજીતસિંહ ઠાકુર, યોગેશ જોલાપરા, સમીર હલાદલ, પ્રદિપ ગોસાઈ તથા રાહુલ દાવડા રોકાયા હતાં.

