મેટોડાની એવી એમ એગ્રો કેર પાસેથી બાકીમા જંતુનાશક દવા લીધા બાદ પટેલ એગ્રો સેન્ટરના માલિક મનોજ સેંજલીયાએ આપેલો ચેક પરત ફર્યો તો
Rajkot તા.૨૪ઃ
લોધીકા પંથકમાં આવેલી એવી એમ એગ્રો કેર નામની પેઢી પાસેથી ઉધારમાં લીધેલ જંતુનાશક દવા ની રકમ ચૂકવવા આપેલો ચેક વધુ વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે રબારીકા (ગીર)ના પટેલ એગ્રો સેન્ટરના માલિક મનોજભાઈ સેંજલીયાને ફેરવી અને બે વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ ૬.૪૮ લાખનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ, મેટોડાની એવીએન એગ્રો કેર હોલસેલર પેઢી પાસેથી રબારીકા ગીર ગામે ધંધો કરતા પટેલ એગ્રો સેન્ટરના માલીક મનોજભાઈ ત્રિકમભાઈ સેંજલીયાએ જંતુનાશક દવા બાકીમા લીધી હતી, બાદમાં તે રકમ ચૂકવવા રૂા.૬.૪૮ લાખનો ચેક પેઢીની કાયદેસરની લેણી રકમ વસુલવા માટે આપેલ હતો. જે બેંકમાંથી ચેક રિટર્ન થતા કાયદાકીય જોગવાઈ મુજબ એડવોકેટ મારફત લીગલ નોટીસ પાઠવ્યા છતાં મનોજ સેંજલીયાએ ચેકની રકમનું પેમેન્ટ કે નોટીસનો કોઈ જવાબ આપેલ ના હતો. જેથી
વિનોદભાઈ રવજીભાઈ કાનાણીએ લોધિકા કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી. જે ફરિયાદ અદાલતમાં ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષે તમામ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા, ફરીયાદીના એડવોકેટે સુપ્રીમ કોર્ટનું ડબલ બેંચનું જજમેન્ટ અંગે દલીલો કરી હતી.જે લોધિકા કોર્ટે માન્ય રાખી આરોપી મનોજ ત્રિકમભાઈ સેંજલીયાને તકસીરવાર ઠરાવી અને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટસ એક્ટ હેઠળ બે વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબ ૬.૪૮ લાખ વળતરની રકમ ચૂકવી દેવા હુકમ ફરમાવ્યો હતો. આ કામમાં ફરીયાદી તરફે વકીલ નીલેશકુમાર વી. સાકરીયા, હાર્દિક વી. વેકરીયા, પ્રવીણ એ. સીતાપરા રોકાયા હતા.

