Rajkot તા.૨૪ઃ
રાજકોટના મોરબી રોડ પર ૨૩ સપ્ટેમ્બરની રાત્રે ૯૩૦ વાગ્યા આસપાસ ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં હડાળા ગામ નજીક વિશાલ ચાની હોટલ પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે સાઇડમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કાર અને રિક્ષાને અડફેટે લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો અને બાદમાં ટંકારા નજીક ટ્રક મૂકી પોતે ફરાર થઈ ગયો હતો. કુવાડવા પોલીસે ટ્રક કબજે કરી બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે.
અકસ્માતમાં ભાવનગર રોડ પર રહેતા ૪૫ વર્ષીય અજિઝશાહ જીલુશાહ શાહમદાર અને બેડી ગામે રહેતા ૨૦ વર્ષીય કાનો હુંબલ નામના વ્યક્તિનું મોત નિપજ્યા છે. અજિઝશાહ પોતાના પુત્ર સાથે રિક્ષામાં મોરબી ખાતે ઉર્સમાં જતા હતા. અજિઝશાહના પત્ની બે દિવસ પિયરમાં હોવાથી આખો પરિવાર પરત રાજકોટ ફરવાનો હતો. જોકે, પિતા-પુત્ર મોરબી પહોંચે તે પહેલાં પુત્રની નજર સામે પિતાનું મોત થયું છે.
જ્યારે કાનો હુંબલ નામનો ૨૦ વર્ષીય યુવાન માધાપર ગામ નજીક રહેતો હતો અને તે સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયિકા મીરા આહીર સહિત પાંચ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે રાત્રિના તે પોતાના મિત્રો સાથે આંટો મારવા અને ચા પીવા માટે નીકળ્યો હતો. હાલ ૫ બહેનોએ એકના એક ભાઈને ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.

