Ahmedabad,તા.12
અમદાવાદના પોશ ગણાતા એસ.જી. હાઈવે પર બુધવારે(12 ઓગસ્ટ) સવારે એક સનસનાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છારોડી તળાવ પાસે નિરમા યુનિવર્સિટીની સામે આવેલી ‘ટ્રેમોન્ટ એડલીપ’ નામની એક નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળેથી ક્રેન ઓપરેટરનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. 22 વર્ષીય યુવકે ક્રેન સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.મૃતકની ઓળખ પ્રીતમસિંહ (ઉં.વ.22) તરીકે થઈ છે, જે છેલ્લાં કેટલાક સમયથી આ નિર્માણાધીન સાઈટ પર ક્રેન ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, પ્રીતમસિંહે મંગળવારે(11 ઓગસ્ટ) મોડી રાત્રે જમીનથી અંદાજે 300 ફૂટની ઊંચાઈએ આવેલા 32મા માળે ક્રેન સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. આખી રાત તેનો મૃતદેહ હવામાં લટકતો રહ્યો હતો.
બુધવારે સવારે 8 વાગ્યાના સુમારે જ્યારે સાઈટ પર કામ કરતા અન્ય શ્રમિકો અને કર્મચારીઓ આવ્યા, ત્યારે તેમની નજર 32મા માળે ક્રેન સાથે લટકતા મૃતદેહ પર પડી હતી. બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકો અને સાઈટના જવાબદારોએ તુરંત જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર અને પોલીસની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને નીચે ઉતાર્યો હતો.
બનાવની માહિતી મળતા જ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સોલા હાઈકોર્ટ પી.આઈ.ના જણાવ્યા મુજબ, યુવકના આકસ્મિક મોત અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
22 વર્ષના આશાસ્પદ યુવકે કયા કારણોસર આટલું આકરું પગલું ભર્યું તે હજુ સુધી અસ્પષ્ટ છે. પોલીસે નિર્માણાધીન સાઈટ પર કામ કરતા સહકર્મીઓ, કોન્ટ્રાક્ટર તેમજ મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત તેના મોબાઈલ કોલ ડિટેલ્સ અને અંગત જીવનની વિગતો મેળવી આપઘાત પાછળનું સાચું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા છે.

