ફોટોગ્રાફ મોફ કરી જીવિત યુવાનને મૃત જાહેર કર્યો ‘તો
Jetpur, તા.૩૧
જેતપુરમાં મિત્ર સાથે મજાક કરવા માટે “RK NATIONAL NEWS”ની ખોટી ટાઇલ્સ વાઇરલ કરી જીવિત યુવાનને મૃત જાહેર કરતા મીડિયા ચેનલના સંચાલક દ્વારા જેતપુર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ હતી.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના રૂપાવટી ગામે ત્રણ દિવસ પહેલા પિયુષ મગનભાઈ સાદિયા નામનો યુવાન ચેક ડેમમાં ડૂબી જવાથી મોત થયું હતું જેના સમાચાર “RK NATIONAL NEWS” નામના મીડિયામાં ટાઇલ્સ રૂપે વાઇરલ થયાં હતા બાદ જેતપુરના બાંગલા વિસ્તારમાં રહેતા હુસેનખાન બ્લોચે ચેનલના સંચાલકને ફોન કરી કહેલકે “તમારા મીડિયામાં મારાં મોતના ખોટા સમાચાર વાઇરલ થયાં છે”. તે વાતની ખરાઈ કરવા ચેનલના સંચાલક રાહુલભાઈ રમેશભાઈ સિંગલે તપાસ કરતા કોઈ વ્યક્તિએ ખોટી ટાઇલ્સ બનાવી વાઇરલ કરી છે. જયારે ટાઇલ્સ બનાવનારની તપાસ કરતા બીટુ ગાંધીનું નામ સામે આવ્યું હતું રાહુલભાઈએ બીટુ ગાંધી સાથે આ બાબતે ચર્ચા કરતા તેને કહ્યું હતુંકે “મેં મારાં મિત્ર હુસેનખાન સાથે મજાક કરવા માટે આ ટાઇલ્સ બનાવી હતી પરંતુ હવે આ વાત પુરી કરો” કહી ફોન કાપી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ ચેનલના સંચાલકે જેતપુર સીટી પોલીસ મથકને કરતા પોલીસે બીટુ ગાંધી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.