Washington તા. 14
અમેરિકી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) પોતાનાં એજન્ટો અને અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક શોક આપતાં વિશેષ હાથમોજાં (ગ્લોવ્સ) ખરીદવા માટે 2 કરોડ ડોલર સુધીનો ખર્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગનાં જણાવ્યા અનુસાર, `GLOVE’ નામનાં આ ડિવાઇસ સામાન્ય લેધર ગ્લોવ્સ જેવા જ દેખાય છે, પરંતુ બટન દબાવતાં જ તેમાંથી 380 વોલ્ટ સુધીનો વીજળીનો આંચકો લાગે છે. આ હાથમોજાંનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે રહેતાં અને વિરોધ કરતાં લોકોને દર્દ પહોંચાડીને કાબૂમાં લેવાનો છે, જે ટેઝર બંદૂકની જેમ ચામડી પર બળવાના કે દાઝવાના નિશાન છોડતા નથી.
આ વિવાદાસ્પદ નિર્ણય સામે ડેમોક્રેટિક સાંસદો અને માનવ અધિકાર સંગઠનોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) અને ન્યૂયોર્કના એટર્ની જનરલે ચેતવણી આપી છે કે અધિકારીઓને આવું ગુપ્ત અને અસહ્ય પીડા આપનાં સાધન આપવાથી તેનો દુરુપયોગ વધશે અને સામાન્ય લોકોને ગંભીર નુકસાન પહોંચશે.
ભૂતકાળમાં વર્ષ 2024માં કેન્ટુકીની એક જેલમાં 43 વર્ષીય વ્યક્તિને આ જ ગ્લોવ્સ વડે 27 વખત શોક આપવામાં આવ્યાં બાદ તેનું મોત થયું હોવાનો કિસ્સો પણ સામે આવી ચૂક્યો છે, જે બાબતે માનવાધિકાર કાર્યકરોની ચિંતામાં વધારો કર્યો છે.
બીજી તરફ, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ આ નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું છે કે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સુરક્ષિત રીતે અટકાયતમાં લેવા અને દેશનિકાલ કરવા માટે અધિકારીઓની સુરક્ષાના ભાગરૂપે આ પગલું લેવાઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે આ સાધનોનો ઉપયોગ કાયદાકીય નીતિઓ અને કડક ધોરણો અનુસાર જ કરવામાં આવશે.
જોકે, ગ્લોવ્સ બનાવતી નિર્માતા કંપનીના મેન્યુઅલ મુજબ વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને દિવ્યાંગો પર તેના ઉપયોગની સખત મનાઈ છે, તેમજ માત્ર શિક્ષા કે ત્રાસ આપવાના હેતુથી તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

