New Delhi તા.14
કેન્દ્ર સરકારે દેશની અગ્રણી ઓઇલ કંપનીઓ—ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને વર્ષ 2027માં થનારા કુલ એલપીજી આયાતમાંથી ઓછામાં ઓછો 15% હિસ્સો અમેરિકા સાથે લોંગ ટર્મ કોન્ટ્રેકટ (લાંબા ગાળાના કરાર) મારફતે લાવવાનો આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં જ ભારતે અમેરિકા પાસેથી પ્રથમ વખત આવી લાંબા ગાળાની ડીલ કરી હતી, જેમાં આશરે 22 લાખ ટન (કુલ આયાતના 10%) ગેસ મંગાવવાનો કરાર થયો હતો. હાલમાં આ ત્રણેય કંપનીઓના ટોચના અધિકારીઓ નવી સપ્લાય ડીલ પર વાતચીત કરવા માટે અમેરિકામાં જ હાજર છે.
આ પગલાં પાછળ ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વના ખાડી દેશો પરથી પોતાની નિર્ભરતા ઓછી કરવાનો છે. અગાઉ ભારત પોતાની જરૂરિયાતનો 90%થી વધુ એલપીજી ગેસ ખાડી દેશોમાંથી મંગાવતું હતું. પરંતુ ઈરાનમાં યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગે ઊભી થયેલી સમસ્યાઓને કારણે દેશમાં ગેસની ભારે અછત સર્જાઈ હતી. આ મુશ્કેલીમાંથી બોધપાઠ લઈને ભારતે હવે અલગ-અલગ દેશોમાંથી ગેસ મંગાવવાની વ્યૂહનીતિ અપનાવી છે.
આ જ વ્યૂહનીતિના ભાગરૂપે આ વર્ષે ઓગસ્ટ સુધીમાં અમેરિકા ભારતને સૌથી વધુ એલપીજી સપ્લાય કરનારો દેશ બની ગયો છે, જ્યાંથી અત્યાર સુધીમાં રેકોર્ડ 39 લાખ ટન ગેસ ભારત આવી ચૂક્યો છે. હવે ભારતીય ઓઇલ કંપનીઓ સંભવિત સપ્લાયર્સના પ્રસ્તાવ ચકાસ્યા બાદ ટૂંક સમયમાં જ નવા ગેસ સપ્લાય માટે સંયુક્ત ટેન્ડર બહાર પાડશે.
અમેરિકા પાસેથી વધુ ગેસ ખરીદવાથી ભારતને અમેરિકા સાથેનો પોતાનો ટ્રેડ સરપ્લસ (વેપાર સંતુલન) ઘટાડવામાં પણ મદદ મળશે. ભારત હાલમાં વૉશિંગ્ટન સાથે એક મોટા વેપારી સમજૂતી કરવાના પ્રયાસો કરી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર લાંબા સમયથી માંગ કરી રહ્યું હતું કે ભારત તેમની પાસેથી ઊર્જા ખરીદી વધારે, કારણ કે ભારત વિશ્વના સૌથી મોટા ઓઇલ અને ગેસ આયાતકારોમાંથી એક છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આ ટ્રેડ વાટાઘાટો હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી નથી.

