Ahmedabad,તા,18
ગુજરાત ઉપરાંત, દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી સાયબર ક્રાઇમ આચરીને નાણાં પડાવતી ગેંગ માટે વિવિધ મ્યૂલ બેંક એકાઉન્ટમાં જમા થતા નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચાઇના મોકલવાની કામગીરી કરતી ગેંગના મુખ્ય સાગરિત રફીકુલ આલમ મહમંદ અલીને સ્ટેટ સાયબર ક્રાઇમે આસામના બારપેટા જિલ્લાથી ઝડપીને મહત્વની સફળતા મેળવી છે. આરોપીએ ચાઇનીઝ ગેંગ માટે અત્યાર સુધીમાં દેશભરના 1090 જેટલા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 1072 કરોડ જેટલી રકમ વિદેશમાં મોકલી હોવાનો સૌથી મોટો ખુલાસો પ્રાથમિક તપાસમાં થયો છે.
દેશભરમાં બનતા ડિજિટલ એરેસ્ટ, રોકાણના નામે છેતરપિંડી કે અન્ય રીતે થતા સાયબર ફ્રોડના નાણાંના બેંકના તેમજ ક્રિપ્ટો કરન્સીમાં થતા વ્યવહારની લીંકને તપાસવા માટે સ્ટેટ સાયબર ક્રાઇમના અધિકારીઓની ખાસ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી કે દેશના વિવિધ મ્યૂલ બેંક એકાઉન્ટમાં જમા થતા નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશમાં નાણાં મોકલવાનું મુખ્ય કામ કરતો વ્યક્તિ આસામના બારપેટા જિલ્લામાં રહે છે. જેના આધારે પોલીસે આસામ જઇને પાંચ થી છ દિવસ સુધી વેશ પલ્ટો કરીને રેકી કરી હતી. ત્યારબાદ ચોક્કસ બાતમીના આધારે બારાપેટા પાસે આવેલા નિચુકામાં દરોડો પાડીને રફીકુલ આલમ મોહમ્મદ અલીને ઝડપી લીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી ચાઇનીઝ ગેંગને નાણાં મોકલવા માટે મુખ્ય વહીવટદાર તરીકે કામ કરતો હતો. જે સાયબર એરેસ્ટ અને અન્ય સાયબર ક્રાઇમથી આવતા નાણાંને ઓનલાઇન ક્રિપ્ટો કરન્સીમાં જમા કરાવતા પહેલા આ વ્યવહાર અન્ય કોઇ તપાસ એજન્સીઓના ધ્યાનમાં ન આવે તે માટે નાણાં મ્યૂલ બેંક એકાઉન્ટમાં જમા થતાની સાથે એક કલાકની અંદર નાની નાની રકમમાં દેશભરના 1754થી વધારે મ્યૂલ બેંક એકાઉન્ટમાં મોકલી આપતો હતો.
રફીકુલ મુખ્ય ચાઇનીઝ ગેંગ માટે મ્યૂલ બેંક એકાઉન્ટનું સંચાલન કરતી ગેંગ સાથે પણ સંકળાયેલો હતો. તેની પાસેથી 23 ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા હતા. ક્રિપ્ટો કરન્સીના વેચાણ અને ખરીદી માટે ચીપ સેલર નામની એપ્લીકેશનનો ઉપયોગ પણ આ ગેંગ દ્વારા થતો હતો. અત્યાર સુધીમાં રફીકુલ દ્વારા દેશભરના 1090 જેટલા સાયબર ક્રાઇમમાં ચાઇનીઝ ગેંગને 1072 કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. આરોપીના ઘરેથી પોલીસને વિવિધ ગેટેઝ્સ પણ મળી આવ્યા હતા. આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

