Ahmedabad,તા,18
અમદાવાદને કેટલ, બેગર, વાયર, સ્લમ, ગાર્બેજ, ફ્લડ ફ્રી બનાવવા જેવા અભિયાનોની સાથે પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક મુક્ત શહેરની પણ ઝુંબેશ ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ રહી છે. છતાં સમજદારીના અભાવે આજે પણ પ્લાસ્ટિકનો બેરોકટોક વપરાશ થઈ રહ્યો છે. એક વર્ષમાં શહેરની દુકાનોમાંથી છુપાવીને રાખેલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 9.56 ટનથી વધારે જથ્થો પકડાયો છે. આ બાબત જ પ્લાસ્ટિકના વપરાશ અંગેની સાબિતી આપી રહ્યો છે.
1.28 લાખ દુકાનદારોને નોટિસ, 3.66 કરોડ રૂપિયાનો દંડ, 970 એકમ સીલ
અમદાવાદ શહેરમાં આમ તો 120 માઈક્રોનથી ઓછી જાડાઈના સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, ઉત્પાદન પર પ્રતિબંધ છે. પરંતુ આજે પણ શહેરમાં શાકભાજી અને ફળો કે કરિયાણાની વસ્તુઓના વેચાણમાં બેરોકટોક પ્લાસ્ટિકનો વપરાશ થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જુલાઈ 2025થી જુલાઈ 2026 સુધીના એક વર્ષમાં 1.28 લાખથી વધુ દુકાનદારોને આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે. 3.66 કરોડ રૂપિયાથી વધુની રકમનો દંડ કરાયો છે. વધારે કડક પગલાંના ભાગરૂપે 970 એકમ સીલ પણ કરાયા છે.
ઝોન મુજબ જોઈએ તો શહેરના પશ્ચિમમાં સૌથી વધારે દંડ કરાયો છે. ઉત્તર ઝોનમાં સૌથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાયું છે. દક્ષિણ ઝોનમાં સૌથી વધુ દુકાનો સીલ કરાઈ છે. જ્યારે મધ્ય અને પૂર્વ ઝોનમાં આ મામલે કામગીરી થોડી નબળી છે.
15 લાખ પરિવારને કાપડની 30 લાખ થેલીનું વિતરણ કરાયું
અમદાવાદ મ્યુનિસિપલના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર વિજય મિસ્ત્રી જણાવે છે કે, લોકો ખરીદી કરવા બજારમાં જાય ત્યારે પ્લાસ્ટિકની થેલી માંગે નહીં અને ઘરેથી જ કાપડની થેલી લઈને જાય તેવી ટેવ કેળવવા 15 લાખ પરિવારોને કાપડની 30 લાખ થેલીનું વિતરણ કરાયું છે. હજારો પરિવારોમાં આ ટેવ કેળવાઈ છે. દુકાનદારોને કરાતો દંડ શિક્ષાત્મક કાર્યવાહી નથી, પરંતુ બોધપાઠના ભાગરૂપે છે. દુકાનદારો પણ હવે પ્લાસ્ટિકની થેલી આપતા બંધ થયા છે.
ઉત્પાદન કેમ બંધ કરાતું નથી? વેપારીઓની દલીલ
પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ કરી રહેલા વેપારીઓ એવી દલીલ કરી રહ્યા છે કે, જો વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ હોય તો પછી પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન જ કેમ બંધ કરાવી દેવામાં આવતું નથી? ઉત્પાદન જ ન થાય તો પછી પ્લાસ્ટિકની થેલીના વપરાશનો સવાલ જ રહેશે નહીં.
શહેરની બહારથી જથ્થો આવે છે! મ્યુનિ.ની દલીલ
સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ શહેરની હદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવતા એકમો પર પણ ભૂતકાળમાં દરોડા પાડવામાં આવ્યા છે. આવા એકમો બંધ કરાવી દેવાયા છે. પરંતુ ઉત્પાદકો છટકબારીના ભાગરૂપે શહેરની હદ બહાર આવા એકમો ચલાવી રહ્યા છે.

