Ahmedabad,તા.21
ઉંઝાના જીરૂ-વરીયાળીના વેપારીને નકલી નોટો ધાબડીને લાખો રૂપિયાની છેતરપીંડીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અસલ જેવી જ દેખાતી ચિલ્ડ્રન્સ બેંકની લાખોની નોટ કબ્જે કરીને બે શખ્સોની ધરપકડ કરી છે.
ઊંઝાના બી.બી. ટ્રેડર્સના વેપારી રોહિતકુમાર પટેલ કે જેઓ જીરું અને વરિયાળીનો વેપાર કરે છે. નાગપુરથી વેપારના 40 લાખ મંગાવવા માટે તેમણે ઓનલાઈન આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. 17 નવેમ્બરે બે શખસ બેંકની પટ્ટી મારેલા નોટોના બંડલ ભરેલો થેલો લઈને ઊંઝા પહોંચ્યા હતા.
બંડલની બહાર બેંકની પટ્ટી હોવાથી વેપારીને ચલણ અસલી હોવાની ખાતરી થઈ હતી. પરંતુ થેલો ખોલતાં જ આખો ખેલ સામે આવ્યો હતો. અંદર એકપણ અસલી નોટ નહોતી. તમામ બંડલમાં ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલી નકલી નોટો હતી. વેપારી સાથે 40 લાખની છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો.
ઠગાઈ કર્યાં બાદ આરોપીઓ ફરી આવી જ રીતે પેમેન્ટ લેવા આવશે કે કેમ તે તપાસનો મુખ્ય મુદ્દો હતો. ત્યારે ફરી નાગપુરથી અમદાવાદમાં ફરિયાદીના પિતા નરેન્દ્રભાઈ પટેલને પેમેન્ટ મોકલવાનું નાટક રચવામાં આવ્યું હતું.
આ વખતે ગેંગને લાગ્યું કે અગાઉની જેમ જ બંડલ પહોંચાડી કમિશન મેળવી શકાશે. 19 નવેમ્બરે બપોરે આરોપીઓએ વોટ્સએપ કોલ કરી પેમેન્ટ લઈ આવી ગયા હોવાની જાણ કરી હતી. આ ફોન જ પોલીસ માટે આરોપીઓ સુધી પહોંચવાની કડી બન્યો હતો.
આરોપીઓ અમદાવાદ પહોંચતા પોલીસે દબોચી લીધા ફરિયાદીએ તરત જ ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી. PSI એચ.ડી. જોષી અને તેમની ટીમે સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસે ત્રણ રસ્તા પર છટકું ગોઠવ્યું હતું.
આરોપીઓ નોટોના બંડલ બતાવવા પહોંચ્યા ત્યારે પોલીસે તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. આમ, બીજી વખત એ જ ખેલ પાડવા આવેલા બંને શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
5 હજારના કમિશન માટે ઠગાઈ કરનાર પોલીસે પકડેલા આરોપીની ઓળખ દિલ્હીના 23 વર્ષીય રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર અને રાજસ્થાનના બિકાનેરના 30 વર્ષીય માલચંદ પ્રમેશરલાલ શર્મા તરીકે થઈ.

