Surat,તા.24
સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામ નજીક આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તડકેશ્વર ગામ પાસે આવેલી ‘N.U. Citizen’ નામની છત્રીનું કાપડ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. કાપડનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ તડકેશ્વર પોલીસ કાફલો અને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, આગ કયા કારણોસર લાગી અને તેમાં કેટલા મિલકતનું નુકસાન થયું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

