Surat, તા.૪
શહેરના કતારગામ વિસ્તારમાં માનવતાને હચમચાવી નાખતી હત્યાની ઘટના સામે આવી છે. ગોટાલાવાડી ચાર રસ્તા નજીક આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વગરનો અને નગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ સંજય તરીકે થઈ છે. પોલીસ તપાસમાં આશરે રૂ.૩૦ હજારની નાણાકીય લેતી-દેતીના વિવાદમાં સંજયની તેના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, કતારગામના ગોટાલાવાડી વિસ્તારમાં આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાં રાત્રિના સમયે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ નગ્ન હાલતમાં હતો અને તેનું માથું ગાયબ હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હ્લજીન્ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મૃતકનું માથું અશ્વનિકુમાર રેલવે ટ્રેક નજીકથી મળી આવ્યું હતું. શરીર અને માથું અલગ-અલગ સ્થળેથી મળી આવતાં હત્યાનો મામલો હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ પોલીસે મૃતકની ઓળખ અને હત્યા પાછળનું કારણ શોધવા તપાસ તેજ કરી હતી.
તપાસમાં મૃતકની ઓળખ સંજય તરીકે થઈ હતી. સંજય મૂળ ઓરિસ્સાનો વતની હતો અને સુરતના કાંસાનગર વિસ્તારમાં આવેલા એક સંચા ખાતામાં કામ કરતો હતો. અહીં તેની સાથે સચેન્દ્ર નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો. પ્રાથમિક તપાસ મુજબ, સંજયે સચેન્દ્ર પાસેથી આશરે રૂ.૩૦ હજાર ઉછીના લીધા હતા. આ નાણાંની પરત ચુકવણીને લઈને બંને વચ્ચે વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ સચેન્દ્ર પોતાના પુત્ર સાથે બાઈક પર સંજયને કારખાનેથી પોતાના ઘરે લઈ ગયો હતો.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, સચેન્દ્રએ પોતાની પત્ની સાથે મળીને સંજયની હત્યા કરી હોવાનો આરોપ છે. ત્યારબાદ મૃતકની ઓળખ છુપાવવાના ઇરાદે મૃતદેહનું માથું અને ધડ અલગ-અલગ સ્થળે ફેંકવામાં આવ્યાં હોવાની આશંકા છે. ધડ કબ્રસ્તાનમાં અને માથું અશ્વનિકુમાર રેલવે ટ્રેક નજીક ફેંકવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હત્યામાં અન્ય વ્યક્તિઓની ભૂમિકા, ખાસ કરીને પત્નીની સંડોવણી અને ઘટનાક્રમ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

