Surat, તા.૧૪
રજાઓ ગાળવા કર્ણાટક ફરવા ગયેલા Suratના એક પરિવારની ખુશીઓ ગણતરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ છે. કર્ણાટકના કોડાગુ જિલ્લાના હરંગી બેકવોટર્સમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતાં સુરતના દંપતીનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં દંપતીનાં ૨૧ વર્ષીય પુત્ર અને ૨૪ વર્ષીય પુત્રીનો આબાદ બચાવ થયો છે. પ્રવાસની યાદોને સંઘરીને પરત ફરવાના બદલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરતનો પરિવાર રજાઓ ગાળવા કર્ણાટકના પ્રવાસે ગયો હતો. શુક્રવારે સાંજે પરિવાર હરંગી બેકવોટર્સ ખાતે ખાનગી કંપની દ્વારા સંચાલિત વોટર એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણવા પહોંચ્યો હતો. આ દરમિયાન બોટમાં પરિવારના ચારેય સભ્યો સવાર હતા. જોકે, અચાનક બોટ પલટી મારી જતાં ચારેય લોકો પાણીમાં પટકાયાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દંપતીની ઓળખ સુરતના રહેવાસી ૫૦ વર્ષીય ધર્મેશ અને ૪૮ વર્ષીય નમ્મી તરીકે થઈ છે. બોટ પલટી જતાં બંને પાણીમાં ડૂબી ગયાં હતાં. પ્રાથમિક માહિતી અનુસાર, બોટ પલટી જતાં બંને તેની નીચે ફસાઈ ગયાં હોવાની શક્યતા છે. જેના કારણે તેઓ સમયસર પાણીમાંથી બહાર આવી શક્યાં નહોતાં. બોટમાં દંપતીની સાથે તેમનો ૨૧ વર્ષીય પુત્ર અને ૨૪ વર્ષીય પુત્રી પણ સવાર હતાં. દુર્ઘટના બાદ બંને પાણીમાં પટકાયાં હતાં, પરંતુ બચાવ કામગીરી દરમિયાન તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં. માતા-પિતાને ગુમાવનાર બંને સંતાનોનો જીવ બચી જતાં એક તરફ રાહત છે, તો બીજી તરફ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બોટમાં સવાર ચારેય લોકોએ લાઇફ જેકેટ પહેર્યાં હતાં. તેમ છતાં દંપતીનો જીવ બચાવી શકાયો નહોતો. પ્રાથમિક તપાસમાં બોટ પલટી જતાં ધર્મેશ અને નમ્મી તેની નીચે ફસાઈ ગયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, દુર્ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. કુશલનગર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં બોટના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)ની કલમ ૧૦૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બોટ કેવી રીતે પલટી મારી ગઈ, બોટિંગ દરમિયાન સલામતીનાં પૂરતાં પગલાં લેવામાં આવ્યાં હતાં કે નહીં અને કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના પરિવાર સાથે બનેલી આ દુર્ઘટનાએ પ્રવાસન સ્થળો પર વોટર સ્પોર્ટ્સ અને બોટિંગ દરમિયાન સલામતીનાં નિયમોના પાલન અંગે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.

