ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ એક વર્ષ કરતાં ૪૫ ટકા અને એક મહિનામાં ૧૯ ટકા વધતાં કેન્દ્ર સરકાર એકશનમાં
New Delhi, તા.૨૪
ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ડુંગળીના વધતા ભાવે પણ સામાન્ય લોકોની ચિંતા વધારી છે. વિવિધ પ્રદેશોમાં ડુંગળીના ભાવમાં થયેલા વધારાને રોકવા માટે કેન્દ્ર સરકાર પોતાના બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં કાઢવાની શરૂઆત કરશે. શનિવારે ડુંગળીનો સરેરાશ ભાવ વધીને પ્રતિ કિલો રૂ. ૪૨ થયો હતો.
આ ભાવ ગયા વર્ષ કરતાં ૪૫ ટકા અને ગયા મહિનાની સરખામણીએ ૧૯ ટકા વધારે છે. વધતા ભાવને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર સોમવારથી નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી સુધી ‘કાંડા એક્સપ્રેસ’ દોડાવશે. આ એવા શહેરો છે જ્યાં ડુંગળીના ભાવ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.
ગ્રાહક બાબતોના વિભાગના આંકડા પ્રમાણે દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ પ્રતિ કિલો રૂ. ૬૫ સુધી પહોંચી ગયો છે, જ્યારે એક વર્ષ પહેલાં દિલ્હીમાં ડુંગળી રૂ. ૩૫ પ્રતિ કિલોના ભાવે મળતી હતી. એટલે દિલ્હીમાં એક વર્ષમાં ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ચેન્નાઈમાં પણ ડુંગળીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. ચેન્નાઈમાં ગયા વર્ષે ડુંગળી રૂ. ૩૩ પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી, જ્યારે હવે તેનો ભાવ વધીને રૂ. ૫૮ પ્રતિ કિલો થયો છે. આ ઉપરાંત કેરળ અને આસામના કેટલાક વિસ્તારોમાં પણ ડુંગળીના ભાવ ઊંચા ચાલી રહ્યા છે.
સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ વેપારીઓ દ્વારા કૃત્રિમ રીતે ડુંગળીના ભાવ વધારવામાં આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સરકાર બફર સ્ટોકમાંથી ડુંગળી ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ કરાવશે. સરકારનો હેતુ વધતા ભાવને નિયંત્રિત કરવાનો અને સામાન્ય લોકોને રાહત આપવાનો છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું છે કે આગામી મહિનાઓમાં માંગને પહોંચી વળવા માટે સરકાર અને ખેડૂતો બંને પાસે ડુંગળીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. એટલે હાલ ડુંગળીની ઉપલબ્ધતાને લઈને ચિંતા કરવાની જરૂર નથી.
ડુંગળીના ભાવમાં વધારા પાછળ બજારના સૂત્રો મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. દેશના સૌથી મોટા ડુંગળી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં ૫થી ૭ ટકાનો ઘટાડો થવાના અહેવાલો સામે આવ્યા છે. ઉત્પાદન ઘટવાના અહેવાલો વચ્ચે બજારમાં ડુંગળીની સપ્લાય પર અસર પડતાં ભાવમાં વધારો થયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું છે.
આ ભાવવધારા વચ્ચે સરકારની બે સહકારી એજન્સીઓ નાફેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન એટલે કે દ્ગઝ્રઝ્રહ્લએ ચાલુ નાણાકીય વર્ષ માટે બફર સ્ટોક તરીકે લગભગ ૧.૨ લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે.
મે મહિનાની શરૂઆતમાં આ એજન્સીઓએ ડુંગળીની ખરીદી કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧,૨૭૦ નક્કી કરી હતી. જોકે ખરીદીને વેગ આપવા માટે ગયા અઠવાડિયે આ કિંમતમાં સુધારો કરીને પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨,૬૪૫ કરવામાં આવી હતી. આ સ્ટોકમાંથી જ હવે વધતા ભાવને નિયંત્રિત કરવા માટે ડુંગળી બજારમાં પહોંચાડવામાં આવશે.

