(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૪
જામનગર-રાજકોટ હાઈવે રોડ પર ધુવાવ ગામ પાસે ગઈકાલે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગર એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ગુરજીંદરસિંઘ ગુરમીતસિંઘ અને તેમની પત્ની લવલીન કૌરનાં ગંભીર ઈજાઓના કારણે અંતરિયાળ કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
પોલીસ ફરિયાદ મુજબ, ગુરજીંદરસિંઘ ગુરમીતસિંઘ ઉંમર વર્ષ ૨૮, એરફોર્સમાં એલ.એ.સી. તરીકે ફરજ બજાવતા હતા અને પત્ની લવલીન કૌર સાથે જામનગર એરફોર્સ સ્ટેશન-૧ ખાતે રહેતા હતા. તા.૨૩ ઓગસ્ટે રવિવારની રજા હોવાથી બંને બુલેટ મોટરસાયકલ નં. પીબી-૪૨-ઈ-૫૪૭૭ પર એરફોર્સ સ્ટેશનથી બહાર ફરવા નીકળ્યા હતા.
દરમિયાન સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં જામનગર-રાજકોટ હાઈવે પર ધુવાવ ગામ પાસે પહોંચતા સામેથી આવતી વરૂડી ટ્રાવેલ્સ નં. જીજે-૧૦-ટીવાય-૪૫૮૧ સાથે બુલેટની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગુરજીંદરસિંઘ તથા લવલીન કૌરને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંનેનાં કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં.બનાવની જાણ થતાં એરફોર્સ ના અધિકારીઓ સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે એરફોર્સમાં ફરજ બજાવતા નાગેન્દ્રકુમાર ક્રિષ્નાપ્રસાદ સિંઘની ફરિયાદના આધારે પંચકોશી એ ડિવિઝન પોલીસે વરૂડી ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ પુરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી બે વ્યક્તિના મોત નીપજાવ્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર નિલકુમાર રઘુભાઈ પરમારને સોંપવામાં આવી છે.

