Patna તા.25
બિહારમાં ચાલી રહેલા સરકારી પરીક્ષાના પેપરલીક અને તેમાં સીબીઆઈ તપાસની માંગ સાથે એક માસથી વધુ સમયથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનમાં આજે આંદોલનકારીઓએ મુખ્યમંત્રી આવાસ ભણી કૂચ શરુ કરતા જ જબરી ધમાલ શરુ થઈ છે. આ મહા આંદોલનમાં હજારો વિદ્યાર્થીઓ અહીના વિખ્યાત ગાંધી મેદાનથી રાજભવન ભણી કૂચ કરી રહ્યા છે.
હજારો વિદ્યાર્થીઓએ અહી માર્ગમાં પોલીસે જે.પી.ગોલંબર પાસે જે વિશાળ બેરીકેડ ઉભી કરવામાં આવી હતી તે તોડીને આગળ વધતા જ પોલીસને તેમને રોકવા માટે લાઠીચાર્જ અને વોટરકેનનનો ઉપયોગ કરવો પડયો છે. હાલ હજારો વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી આવાસને ઘેરવા અને તેમને સીધી વાતચીતમાં જોડવાની માંગ સાથે આગળ વધી રહ્યા છે અને તેના કારણે ભારે તનાવ સર્જાયો છે.
વિપક્ષના નેતા તેજસ્વી યાદવે આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. અગાઉ રાજયની હેમંત સોરેન સરકારે ભરતી બોર્ડની પરીક્ષાઓ રદ કરી હતી પરંતુ તેની સામે હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે અને તેથી જે સરકારી કર્મચારીઓ આ ભરતી પરીક્ષા મારફત નોકરીએ લાગી ગયા હતા તેઓની જોબ હાલ સલામત બની છે પણ વિદ્યાર્થી સંગઠનો સીબીઆઈ તપાસની માંગ સહિતના મુદે આંદોલન આગળ વધારી રહ્યા છે.

