સામાન્ય નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી બહાર કાઢવા પોલીસની પરિણામલક્ષી કામગીરી,વ્યાજખોરોના ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા ચક્રો ગતિમાન
Rajkot,તા.25
રાજકોટ જીલ્લામાં ગેરકાયદે વ્યાજની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરી વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સુલતાનપુર પોલીસે વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર (IPS) નાઓ દ્રારા વ્યાજ-વટાઉની પ્રવૃતિ શોધી કાઢી આવી ગેર-કાયદેસર પ્રવ્રુતિ સદંતર નાબુદ કરવા અને વ્યાજખોરોના ભોગ બનેલ સામાન્ય નાગરીકોને વ્યાજના વિષચક્ર માંથી બહાર કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે જે ગોંડલ વિભાગ, ગોંડલ ના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ નીચે મુજબની પરીણામ લક્ષી કામગીરી કરવામાં આવેલ છે.ગોંડલ તાલુકાના મોવીયા ગામે રહેતા લલીત ઉર્ફે નિલેશ મોહનભાઇ ટારીયા નામના પશુપાલકે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. , વાસાવડ ગામનો સોહિલ રફીકભાઇ સલાટ અને ઇરફાન રફીકભાઇ સલાટ એ નાણાધીરધારનું લાયસન્સ ન હોવા છતાં લલિતને રૂ. ૪૪,૦૦૦ માસિક ૩ ટકાના વ્યાજે આપ્યા હતા. લલિતે રૂ. ૨૦,૦૦૦ જેટલું વ્યાજ ચૂકવી દીધા છતાં, આર્થિક ભીંસના કારણે વ્યાજ આપવાનું બંધ કરતા બંને આરોપીઓએ ફરિયાદીને ફોન પર ધમકાવી, માર મારવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ ફરિયાદ બાદ બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી હતી. આરોપીના ઘરેથી ફરિયાદીના રૂ. ૧,૨૦,૨૫૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના કબજે કર્યા હતા. આ ગુનો દાખલ થયા બાદ અન્ય આશરે ૯૦ જેટલા ભોગ બનનાર લોકોએ સુલતાનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે આરોપીઓએ તેમના પણ સોના-ચાંદીના દાગીના તથા મહત્વના દસ્તાવેજો કબ્જામાં રાખ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બન્ને વ્યાજખોરોએ સ્વખુશીથી ભોગ બનનારાઓના દાગીના અને દસ્તાવેજો પરત કરાવ્યા હતા. જેમાં સોનાના દાગીના: ૧૮૦.૬૫ ગ્રામ કિંમત રૂ. ૨૭,૪૮,૪૫૦,ચાંદીના દાગીના: ૧૯ કિલો ૭૨૪ ગ્રામ કિંમત રૂ. ૪૯,૩૧,૦૦૦, જમીન/મકાન/પ્લોટના દસ્તાવેજો અને આર.સી. બુક: કિંમત રૂ. ૨૯,૦૦,૦૦૦,સહી કરેલા કોરા ચેક ૬ નંગ મળીને પોલીસે કુલ રૂ.૧,૦૫,૭૯,૪૫૦નો મુદ્દામાલ ભોગ બનનારાઓને પરત અપાવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સોહિલ રફીકભાઇ સલાટ સામે અગાઉ વાહન અકસ્માત અને ધમકી આપવાના ૩ ગુના નોંધાઈ ચૂક્યા છે. વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર ૬૨ ગુના દાખલ કરી ૧૨૫ને જેલ ભેગા કર્યા

