ગાંધીનગરથી ખાનગી કારમાં પરત ફરતી વેળાએ કટારિયા પાસે બસે ઠોકરે લેતા સર્જાયો અકસ્માત : વાડોલિયા પરિવારમાં અરેરાટી
અકસ્માતને પગલે ઘવાયેલા ઈજાગ્રસ્તને આરટીઓના સ્ટાફ દ્વારા તાત્કાલીક વાહનની વ્યવસ્થા કરી સારવારમાં ખસેડી માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યુ
Rajkot,તા.25
રાજકોટ-અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા લીંબડી નજીક કટારિયા ગામ પાસે કાર અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત નિપજ્યુ હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ટક્નિશીયલ નરશીભાઈ વાડોલિયા ગાંધીનગરથી ખાનગી કારમાં પરત ફરી રહ્યા હતાં. ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો અને ગંભીર ઈજાને કારણે સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દીધો હતો. આ બનાવની જાણ પણસીણા પોલીસ મથકના સ્ટાફને થતાં દોડી જઈ કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ લીંબડી હાઈવે પર આવેલા કટારિયા ગામ નજીક તા. 24 ને સોમવારે બપોરના સુમારે બસે ખાનગી કારને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આરટીઓની ટીમ ફરજ દરમિયાન હતી. ત્યારે ઈન્સ્પેક્ટર એન.ડી. ઉપાધ્યાય અને એસબી વઘાસિયાએ માનવીય અભિગમ દર્શાવી ઈજાગ્રસ્તને પ્રાથમિક મદદ મળી રહે તે માટે સરકારી વાહનમાં તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ પાણસીણા પોલીસ મથકના સ્ટાફને થતાં કાફલો દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તની ઓળખમાં રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા ક્રિષ્ના બંગલામાં રહેતા નરસીભાઈ કાનજીભાઈ વાડોલિયા નામના 79 વર્ષીય વૃદ્ધ હોવાની ઓળખ થઈ હતી. પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. ઘવાયેલા નરસીભાઈ વાડોલિયાને વધુ સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો. પોલીસે પ્રાથમિક કાગળો કરી અકસ્માત સર્જનાર વાહનની શોધખોળ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ પ્રાથમિક તપાસમાં મૃતક નરશીભાઈ વાડોલિયા પ્રીન્ટીંગ પ્રેસ મશીનના ટેક્નિશન તરીકે કામ કરતા હતાં. તેમજ તેમને ચાર સંતાન છે. નરશીભાઈના મોતથી વાડોલિયા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

