ટાંકો ફૂલ હોવા છતાં સ્વીચ ચાલુ કરવા બાબતે ભાભીને ઠપકો આપતા ઉશ્કેરાયા, યુનિવર્સિટી પોલીસમાં 4 સામે ગુનો નોંધ્યો
Rajkot,તા.25
શહેરના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે રૂરલ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પાણીની મોટર ચાલુ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં સગા ભાઈ અને ભત્રીજાઓએ પિતા-પુત્ર પર તલવાર વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
પ્રેમ મંદિર પાછળ નીલકંઠ પાર્ક સોસાયટી પાસે રૂરલ હાઉસિંગ ક્વાર્ટર નં. E-1/12 માં રહેતા રીક્ષાચાલક શૈલેષ દેવકરણભાઈ મેમણીયા (ઉ.વ. 50) એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે સગા મોટાભાઈ અરૂણભાઈ મેમણીયા, ભાભી સજ્જનબેન, ભત્રીજા અનિલ અને મનિષના નામ આપ્યા છે.ફરિયાદી પરિવાર સાથે અહીં રહે છે. તેમના મકાનના આગળના ભાગમાં મોટાભાઈ અરુણભાઈ અને ભાભી સજ્જનબેન રહે છે, જ્યારે ભત્રીજા અનિલ અને મનીષ અલગ રહે છે. બંને પરિવારનો સબમર્શીબલ પંપની મોટર એક જ છે અને તેની સ્વીચ ફરિયાદીના ઘરમાં છે.
ગઈકાલે સવારે 9:30 વાગ્યા આસપાસ ફરિયાદી અને પુત્ર હરેશ ઘરે હતા. પાણીનો ટાંકો ફૂલ થઈ ગયો હોવા છતાં ભાભી સજ્જનબેન મોટર ચાલુ કરવા આવતા ફરિયાદીએ ઠપકો આપ્યો હતો કે, “ટાંકો ફૂલ છે, મોટર બળી જશે, દર વખતે ખર્ચો અમારે કરવો પડે છે.” આ વાતનો ખાર રાખી ભાભીએ ગાળો ભાંડી પતિ અને બંને પુત્રોને ફોન કરી બોલાવી લીધા હતા.ત્રણેય આવી જતા ફરિયાદી અને તેના પુત્રને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન અનિલે માતાજીના મઢમાં પડેલી તલવાર લઈ હુમલો કરતા ફરિયાદીએ હાથથી તલવાર પકડી લેતા હથેળીમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને સાથળમાં પણ છરકો કર્યો હતો. બૂમાબૂમ થતા લોકો એકત્ર થઈ જતા ચારેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્તને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

