Dallas, તા. 26
અર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાએ જે બોલથી પોતાનો મશહૂર ’હેન્ડ ઓફ ગોડ’ ગોલ કર્યો હતો, તે એક હરાજીમાં રેકોર્ડ 33.51 કરોડ રૂપિયા (3.35 મિલિયન ડોલર)માં વેચાઈ છે. આ સાથે જ આ હરાજીમાં વેચાનારી ઇતિહાસની સૌથી મોંઘી ફૂટબોલ બની ગઈ છે.
આ હરાજી શનિવારે સાંજે હેરિટેજ ઓક્શન્સમાં એડિડાસ અઝટેકા બોલ માટે યોજાઈ હતી. ’હેન્ડ ઓફ ગોડ’ બોલનો કિસ્સો ફિફા વર્લ્ડ કપ 1986નો છે. આ ટુર્નામેન્ટમાં અર્જેન્ટિના ચેમ્પિયન બન્યું હતું. જ્યારે મારાડોનાનું 25 નવેમ્બર 2020ના રોજ અવસાન થયું હતું.
આ રીતે પડ્યું ’હેન્ડ ઓફ ગોડ’ નામ
મેચ પછી જ્યારે પત્રકારોએ મારાડોનાને પૂછ્યું કે બોલ તેમનાં હાથથી વાગ્યો હતો કે માથાથી, તો મારાડોનાએ એવો જવાબ આપ્યો જે હંમેશા માટે ફૂટબોલ ઇતિહાસમાં દર્જ થઈ ગયો. તેમણે કહ્યું કે ગોલમાં થોડું મારાડોનાનું માથું અને થોડો ભગવાનનો હાથ હતો. અહીંથી જ આનું નામ ’હેન્ડ ઓફ ગોડ’ પડી ગયું.
બીજી વાર હરાજી થઈ છે આ ઐતિહાસિક બોલની
ખાસ વાત એ છે કે આ બોલ બીજી વાર હરાજીમાં વેચવામાં આવ્યો છે. આ પહેલાં, 2022માં આ બોલ 22.97 કરોડ રૂપિયા (2.4 મિલિયન ડોલર) માં વેચાયો હતો. ઉલ્લેખનીય છે કે હરાજીકર્તાઓએ આ વખતે એ ખુલાસો નથી કર્યો કે બોલ કોણે ખરીદ્યો છે.
10 મિલિયન ડોલરમાં વેચાવાની અપેક્ષા હતી
હરાજીકર્તા કિંમતથી નિરાશ છે, કારણ કે તેમને આ બોલ લગભગ 10 મિલિયન ડોલર (95.77 કરોડ રૂપિયા) માં વેચાવાની આશા હતી. હરાજીમાં આ બોલની શરૂઆતી કિંમત 23.93 કરોડ રૂપિયા (2.5 મિલિયન ડોલર) રાખવામાં આવી હતી.
જાણો આ બોલની રસપ્રદ કહાની…
1. વાત 22 જૂન 1986 ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલ મેચની છે, જેમાં અર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. બંને દેશો વચ્ચે 1982માં ફોકલેન્ડ્સ યુદ્ધ થયું હતું. એવામાં આ મેચ રાજકીય અને ભાવનાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. અર્જેન્ટિનાએ આ મેચ 2-1થી જીતી હતી.
2. પહેલો હાફ ગોલરહિત રહ્યો. 51મી મિનિટે ઇંગ્લેન્ડના સ્ટીવ હોજના પગે વાગીને બોલ હવામાં જતો રહ્યો. ઇંગ્લેન્ડના ગોલકીપર પીટર શિલ્ટન બોલ પકડવા માટે આગળ વધ્યા પરંતુ એ પહેલાં જ મારાડોનાએ હવામાં ઊછળીને બોલ ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો.
3. મારાડોનાએ આ ગોલ માથાથી નહીં પણ હાથથી કર્યો હતો, પરંતુ રેફરી આ જોઈ શક્યાં નહોતા. તે સમયે ટઅછ (વિડીયો આસિસ્ટન્ટ રેફરી) ટેકનોલોજી નહોતી. ઇંગ્લેન્ડના ખેલાડીઓએ વિરોધ કર્યો પણ બંને રેફરી એ વાત પર સહમત હતા કે ગોલ સાચો હતો.

