Upleta,તા.૨૬
Upleta તાલુકાના પડવલા ગામમાંથી એક હચમચાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. લોહીના સંબંધોને લજવતા આ કિસ્સામાં એક કૌટુંબિક ભત્રીજાએ પોતાના સગા જ કાકાની ઘાતકી હત્યા કરી નાખી છે. હત્યા પાછળનું કારણ કોઈ મોટી અદાવત નહીં, પરંતુ માત્ર એક સામાન્ય મસ્તી અને બોલાચાલી હોવાનું સામે આવ્યું છે. ભાયાવદર પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડી પાડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજના સમયે ઉપલેટાના પડવલા ગામમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. ગામમાં રસ્તા પર આવેલા (પાણીના પરબ) પાસે ૩૫ વર્ષીય અદ્રેમાન કારાભાઈ નોયડા અને તેમનો કૌટુંબિક ભત્રીજો સોહીલ અયુબભાઈ નોયડા બેઠા હતા. પોલીસ ફરિયાદ મુજબ, અદ્રેમાન અને સોહીલ વચ્ચે કાયમ સાથે ઉઠક-બેઠક હતી અને તેઓ એકબીજા સાથે મસ્તી કરતા હતા. પરંતુ આ દિવસે, કાકા અદ્રેમાને કરેલી વાતોવાતની મસ્તી ભત્રીજા સોહીલને પસંદ આવી ન હતી.
આરોપી સોહીલ શિકારી વૃત્તિ ધરાવતો હોવાથી પોતાની પાસે કાયમ છરી રાખતો હતો અને અત્યંત ગુસ્સાવાળા સ્વભાવનો હતો. કાકાની મસ્તીથી ઉશ્કેરાઈ જઈને સોહીલે અચાનક પોતાની પાસે રહેલી છરી કાઢીને અદ્રેમાનની છાતીના ડાબા ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં અદ્રેમાનને તાત્કાલિક ભાયાવદર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ઉપલેટાની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
બાદમાં સમગ્ર મામલે મૃતક અદ્રેમાનના નાના ભાઈ મુસા નોયડાએ ફરિયાદ નોંધાવી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમનો નાનોભાઈ અદ્રેમાન સોહીલ સાથે સાંજે ગામના ઓટલા પર બેઠો હતો. બંને એકબીજા સાથે નોર્મલ વાતચીત કરતા હતા, ત્યારે ફરિયાદી તેમનાથી થોડા અંતરે દૂર બેઠા હતા. જે-તે સમયે અદ્રેમાનભાઈ અચાનક લોહીલુહાણ થઈ તેમના પોતાના ભાઈ સામે (એટલે કે ફરિયાદી પાસે) આવીને જાણ કરે છે કે મને આરોપી સોહિલે ધારદાર હથિયારથી મારેલું છે. આ ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે ફરાર આરોપી સાહિલની શોખધોખ હાથ ધરી તેને પકડી પાડ્યો છે.
સમગ્ર મામલે ધોરાજી એસડીપીઓ ઇન્ચાર્જ શ્રીજીતા પટેલે જણાવ્યું કે, મૃતકના ભાઈ મુસાભાઈ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ આપવામાં આવતા પોલીસે તપાસ ચાલુ કરી હતી. જેથી હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપી ભત્રીજા સોહીલ નોયડાને પોલીસે ઝડપી પાડ્યો છે અને મૃતકના મોટા ભાઈ મુસાભાઈ નોયડાની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) અને જી.પી. એક્ટ મુજબ હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે બનાવને પગલે નાનકડા પડવલા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

