સોમવારે કાળી પટ્ટી ધારણ કરી કલેકટરોને આવેદન પાઠવાશે ૧૦ દિમાં પ્રશ્નો ઉકેલવા મહામંડળની માંગ
Rajkot તા.૨૯
છેલ્લા કેટલાક દિવસોથી વર્ક ટુ રૂલ આંદોલન કરી રહેલા રાજયના મહેસુલી વર્ગ-૩ના કર્મચારીઓની માંગણી માટે સરકારે આજ સુધી કોઈ ધ્યાન નહી આપતા હવે કર્મચારી મંડળે આક્રમક નીતિ અપનાવી છે. અને હડતાલ પર ઉતરી જવાની ચિમકી ઉચ્ચારી છે.આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આવતા સોમવારથી રાજકોટ સહિત રાજયભરમાં જિલ્લા મથકોએ વર્ગ-૩ના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે અને દરેક જિલ્લા કલેકટરોને આવેદનપત્રો પાઠવશે.
રાજ્યના મહેસૂલી કર્મચારીઓ (તલાટી, ક્લાર્ક, નાયબ મામલતદાર સહિત)ના સેવા વિષયક પ્રશ્નો અંગે સરકાર દ્વારા સતત અવહેલના કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરીને ગુજરાત રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.
કર્મચારીઓએ ફીડબેક સેન્ટર સામે મોરચો માંડ્યો છે અને મહેસૂલી તલાટીઓ માટે ફિલ્ડની વાસ્તવિકતા ધ્યાને લીધા વગર બનાવાયેલા નવા જોબ ચાર્ટ સામે વિરોધ નોંધાવ્યો છે.સોમવારે રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે અને દરેક જિલ્લા કલેક્ટરને પડતર માંગણીઓ ઉકેલવા આવેદનપત્ર પાઠવી ૧૦ દિવસની મહેતલ આપશે.જો માંગણીઓનો કોઈ યોગ્ય ઉકેલ કે નિરાકરણ નહીં આવે તો કર્મચારીઓ પેનડાઉન કરીને કામગીરીથી અળગા રહેશે.
૧૦મી સપ્ટેમ્બરસમગ્ર રાજ્યભરમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી છે.મહામંડળના પ્રમુખ જામસંગ પરમારના જણાવ્યા મુજબ, ૧૨મી મે ૨૦૨૬થી ૧૮મી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિને ૫ વખત પત્રો લખીને રજૂઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાને પણ રજૂઆત કરવામાં આવી છે. જો પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો રાજ્યભરની મહેસૂલી કામગીરી ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

