કોળી સમાજના મહિલા સભ્યને જવાબદારી , દુષિત પાણીથી લોકોનું આરોગ્ય ચિંતામાં બોર્ડ ગાજતું રહેશે
Rajkot તા.૨૯
રાજકોટ મહાનગરપાલિકામાં ગત મે મહિનામાં શરૂ થયેલી નવી ટર્મમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા તરીકે વોર્ડ નં. ૧૬ના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીની નિમણુંક કરવામાં આવી છે. રાજકોટની પ્રજાના પ્રશ્ને જનરલ બોર્ડમાં સતત પડઘો પાડતા કોર્પોરેટરે શહેરના પાણી, મનપામાં ભ્રષ્ટાચાર સહિતના મામલે લોકો વતી લડત ચાલુ રાખવા તૈયારી દર્શાવી છે.
રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ તેમજ વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટર અને કોળી સમાજનું ગૌરવ દીપ્તિબેન સોલંકીની રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ નિયુકિત કરી છે.
ગત ટર્મમાં ભાજપને ૬૮ અને કોંગ્રેસને ૪ બેઠક મળી હતી. અગાઉની ટર્મમાં વિપક્ષી નેતા તરીકે શ્રીમતી ભાનુબેન પ્રવિણભાઇ સોરાણી અને વશરામભાઇ સાગઠીયાએ જવાબદારી નિભાવી હતી. હવે ચૂંટણી બાદ આ વખતે કોંગ્રેસને ૭ બેઠક મળી છે. વોર્ડ નં.૧૬ પુરેપુરો કોંગ્રેસે જીત્યો છે ત્યારે આ વોર્ડમાંથી જ પ્રદેશે વિપક્ષી નેતા પસંદ કર્યા છે. દિપ્તીબેન સોલંકીએ નિમણુંક થવા સાથે કહ્યું હતું કે, રાજકોટની જનતાના પ્રશ્નો માટે તેઓ કાયમ પૂરી ટીમ સાથે સક્રિય રહેશે. જનરલ બોર્ડમાં તેઓ પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહેશેે.
મહાનગરમાં દુષિત પાણીનો પ્રશ્ન અને રોગચાળાની સ્થિતિ ખુબ ગંભીર છે. ગંદુ પાણી, શિક્ષણ, આંગણવાડી સહિતના પ્રશ્નોથી લોકો પીડાઇ રહ્યા છે. પ્રજાના નાણાનો વહીવટ કરતા ભાજપ શાસકોના રાજમાં ભ્રષ્ટાચાર બંધ થાય તે દિશામાં તેઓ ઉગ્ર લડત આપતા રહેશે. ડિમોલીશન ખર્ચની તપાસ માટે રચાયેલી તપાસ સમિતિ સીટના રીપોર્ટ જાહેર કરવા સહિતની માંગણીઓ તેઓ રજૂ કરશે. એકંદરે પ્રજાના પાયાના તમામ પ્રશ્નો અને સેવાઓ માટે વિરોધ પક્ષ સતત જાગૃત રહેશે તેમ જણાવ્યું હતું.
વિરોધ પક્ષના નેતા તરીકે રાજકોટની જનતાના પ્રશ્નોને વધુ મજબૂત અવાજ આપવા અને લોકહિત માટે અસરકારક કામગીરી કરવા પ્રદેશ પ્રમુખ અને રાજકોટ શહેર પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ શુભેચ્છાઓ આપી છે.

