આ સમયગાળા દરમિયાન ઠગોએ વૃદ્ધા પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ૫૫.૫ લાખ રૂપિયા પડાવ્યા
Rajkot, તા.૨૮
રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમનો એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાયબર ઠગોએ એક વયોવૃદ્ધ મહિલાને પોતાનો શિકાર બનાવીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. સાયબર ભોપાળાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ હોવાનો સ્વાંગ રચીને આ વૃદ્ધાને પોતાના જ ઘરમાં સળંગ એક સપ્તાહ (૭ દિવસ) સુધી ડિજિટલ અરેસ્ટ રાખી મૂક્યા હતા. કાયદાકીય કાર્યવાહી અને જેલની ધમકી આપીને ઠગોએ માનસિક રીતે ભાંગી પડેલા વૃદ્ધા પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ૫૫.૫૦ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. લાખો રૂપિયા પડાવી લીધા બાદ પણ સાયબર ઠગોની ભૂખ સંતોષાઈ નહોતી અને તેમણે વૃદ્ધા પાસે વધુ ૪૩ લાખની માંગણી કરી હતી. આટલી મોટી રકમની વ્યવસ્થા કરવા માટે વૃદ્ધાએ મુંબઈ સ્થિત પોતાની પુત્રીનો સંપર્ક કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પુત્રીને તરત જ ખ્યાલ આવી ગયો હતો કે તેના માતા સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેણે સમય સૂચકતા વાપરીને તુરંત જ રાજકોટ પોલીસનો સંપર્ક કર્યો હતો.
ઘટનાની ગંભીરતા સમજીને રાજકોટ સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસે તાત્કાલિક વૃદ્ધ મહિલાના ઘરે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે યોગ્ય સમયે હસ્તક્ષેપ કરીને વૃદ્ધાના બીજા રૂ.૪૩ લાખ ઠગોના ખાતામાં જતા અટકાવ્યા હતા. હાલમાં પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી, જે બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ છે તેના ડેટા અને મોબાઈલ નંબરના આધારે ડિજિટલ ગઠિયાઓને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે.

