ઘટના વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘યુવરાજ’માં બંને સાથે કામ કરવાના હતા તે પહેલાં બની હતી
Mumbai, તા.૩૧
બોલિવૂડમાં સેલેબ્સ વચ્ચેના મતભેદો અને ઝઘડા કોઈ નવી વાત નથી, પરંતુ જ્યારે બે દિગ્ગજો વચ્ચેનો વિવાદ માફી અને નવી મિત્રતામાં બદલાઈ જાય ત્યારે તે ઘટના હંમેશા ચર્ચામાં રહે છે. જાણીતા ફિલ્મમેકર સુભાષ ઘાઈએ તાજેતરમાં સુપરસ્ટાર સલમાન ખાન સાથે થયેલા એક મોટા વિવાદ અને ઝઘડા અંગે યાદ કરતાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે એક પાર્ટી દરમિયાન તેમનો અને સલમાન ખાનનો ઝઘડો થઈ ગયો હતો.આ રસપ્રદ ઘટના વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘યુવરાજ’માં બંને સાથે કામ કરવાના હતા તે પહેલાં બની હતી. સુભાષ ઘાઈએ ભૂતકાળના તે વિવાદને યાદ કરતા જણાવ્યું કે ફિલ્મ પહેલાં અમારો ઝઘડો થયો હતો. હાથાપાઈ પણ થઈ હતી. તે પછી તેમના પિતાએ તેમને ઠપકો આપ્યો હતો. અમે એક પાર્ટીમાં હતા. સલમાન નશામાં હતો. તે કંઈક ખોટી વાત કરી રહ્યો હતો, તેથી મેં તેને કહ્યું કે આવું ન બોલો. તેને મારાથી કોઈ વાતની નારાજગી હતી. તેણે મને પૂછ્યું કે તમે આવું કે તેવું કેમ કર્યું? મેં કહ્યું કે ડિરેક્ટર તરીકે આ મારો નિર્ણય છે. તે મને ગાળો આપવા લાગ્યો. મેં તેને રોક્યો, પરંતુ ત્યારબાદ ત્યાં અમારો ઝઘડો થઈ ગયો.આ ઉગ્ર બોલાચાલી બાદ સલમાન ખાનના પિતા અને જાણીતા સ્ક્રીનરાઈટર સલીમ ખાને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. સુભાષ ઘાઈના જણાવ્યા મુજબ, બીજા દિવસે સવારે સલીમ ખાને ઘાઈને ફોન કરીને જણાવ્યું કે સલમાને તેની માતાને રાતની તમામ વાતો કહી દીધી છે. સલીમ ખાને સલમાનને ખૂબ ઠપકો આપ્યો હતો અને તરત જ સુભાષ ઘાઈના ઘરે જઈને માફી માંગવાનો આદેશ આપ્યો હતો. સલમાન ખાન સુભાષ ઘાઈના ઘરે પહોંચ્યો અને અત્યંત નમ્રતા તથા શાલીનતાપૂર્વક માફી માંગી લીધી.ઘાઈએ જણાવ્યું કે સલમાન પોતાના પિતાનું ખૂબ સન્માન કરે છે તે જોઈને તેઓ પ્રભાવિત થયા હતા અને મામલો ત્યાં જ પૂરો કરી દીધો હતો. ત્યારબાદ બંને એકબીજાના ઘરે આવતા-જતા થયા અને સાથે મળીને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.

