Surat,તા.૩૧
સુરતમાં શેર ટ્રેડિંગના નામે ૨૬ વર્ષીય એન્જિનિયર સાથે રૂ.૧૩.૧૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. અડાજણના યુવકને રોજના પાંચ ટકાથી વધુ નફાની લાલચ આપી બોગસ પત્રો બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને અરટાઈ એપના જૂથમાં ઉમેરી તબક્કાવાર લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
અડાજણના ૨૬ વર્ષીય એન્જિનિયરને શેર બજારમાં રોકાણ કરી નફો કમાઈ આપવાની લલાચ આપી છેંંતરપિડી આચવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાથી રોજના પાંચ ટકાથી વધુ નફો મળશે તેવી લાલચ આપી આરોપીઓએ વિશ્વાસ સંપાદન કર્યો હતો. વધુમાં વિવિધ બોગસ પત્રો અને દસ્તાવેજો પણ બતાવ્યા હતા. યુવકને રોકાણથી મોટો નફો થવાની ખાતરી અપાતા એન્જિનિયર યુવક આરોપીઓની જાળમાં ફસાયો હતો.
આરોપીઓએ યુવકને અરટાઈ એપના જૂથમાં ઉમેર્યો હતો. જૂથમાં શેર ટ્રેડિંગ અને રોકાણ અંગેની માહિતી આપીને યુવકને અલગ-અલગ બેંક ખાતામાં રકમ જમા કરાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો. અને યુવકે આરોપીઓની સૂચના મુજબ જુદી-જુદી બેંકોમાં તબક્કાવાર કુલ ૧૩.૧૦ લાખ જમા કરાવ્યા હતા.
રકમ રોકાણ કર્યા બાદ આરોપીઓએ યુવકના ખાતામાં ૧૬.૪૭ લાખનો નફો થયો હોવાનું દર્શાવ્યું હતું. ખાતામાં મોટો નફો દેખાતા યુવકને વિશ્વાસ થયો કે તેનું રોકાણ ખરેખર વધી રહ્યું છે. પરંતુ જ્યારે યુવકે આ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે છેતરપિંડીનો ખેલ સામે આવ્યો.
યુવકે ખાતામાં દર્શાવાતી રૂપિયા ૧૬.૪૭ લાખની રકમ પરત મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારે આરોપીઓએ રકમ ઉપાડવા માટે વધુ ૭.૧૯ લાખ જમા કરાવવાની માગ કરી હતી. આટલી મોટી વધારાની રકમની માગ થતાં યુવકને શંકા ગઈ હતી. ત્યારબાદ સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનું જણાતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
હાલ પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકને સંપર્ક કરનારા લોકો, બોગસ દસ્તાવેજો, એપના જૂથ અને જે બેંક ખાતામાં રકમ જમા કરાવવામાં આવી હતી તેની વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

