Gandhinagar,તા.02
તમે ડૉક્ટર પાસે જઈને તાવ કે ઈન્ફેક્શનની દવા લીધાના બે દિવસમાં સારું થઈ ગયું એટલે કોર્સ અધૂરો છોડી દીધો? જો હા, તો તમે પોતાના જ હાથે પોતાના મોતના પરવાના પર સહી કરી રહ્યા છો! ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલો દવાનો ડૉઝ અધૂરો છોડી દેવાની આ ઘાતક આદત શરીરમાં રહેલા રોગના બેક્ટેરિયાને દવા સામે લડવાની રાક્ષસી તાકાત પૂરી પાડે છે. ત્યારબાદ તેના પર દવાની અસર થવાની ધીમે ધીમે બંધ થઈ જાય છે. સમય જતાં દુનિયામાં બનતી કોઈ પણ દવાની અસર તેના પર થતી જ નથી. પરિણામે રોગ ઊથલો મારે ત્યારે તે બેક્ટેરિયાને ખતમ કરવા લગભગ અશક્યવત બની જાય છે.ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ કહે છે કે, ‘જ્યારે તમે અધૂરો ડૉઝ લો છો, ત્યારે નબળા બેક્ટેરિયા મરી જાય છે પરંતુ અડધા જીવતા રહી ગયેલા શક્તિશાળી બેક્ટેરિયા તે એન્ટિબાયોટિક સામે લડવાનો તાકાત કેળવી લે છે અને દવાના આક્રમણ સામે અજેય બની જાય છે. પરિણામે, ત્યારબાદ તે દર્દીને સામાન્ય ન્યુમોનિયા, યુરિન ઈન્ફેક્શન કે નાની ઈજા થશે ત્યારે દુનિયાની મોંઘામાં મોંઘી દવા પણ તેને બચાવી શકશે નહીં.’
આજે તબીબી ક્ષેત્રમાં પણ ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કેટલાક જનરલ ફિઝિશિયન્સ પોતાની પ્રેક્ટિસ ઝડપથી વધારવા અને દર્દીને રાતોરાત સાજો કરી દેવાનો ભ્રમ ઊભો કરવા માટે જૂની દવાઓ તે દર્દીના રોગ પર અસર કરતી હોવા છતાં તે દર્દીને સીધી જ ‘ફોર્થ જનરેશન’ (અત્યંત શક્તિશાળી) એન્ટિબાયોટિક્સ આપી દે છે. આ પરિસ્થિતિ માટે મેડિકલ સ્ટોર્સ પરથી પ્રિસ્ક્રિપ્શન વિના ઓવર-ધ-કાઉન્ટર એન્ટિબાયોટિક્સનું બેફામ કરવામાં આવી રહેલા વેચાણ અને તેને કારણે ડૉક્ટર્સને પૂછ્યા વિના જ આડેધડ લેવામાં આવતી એન્ટિબાયોટિક્સની ગોળીઓ આ સાયલન્ટ કિલરને વધુ વેગ આપી રહી છે.
દર્દીઓના પેશાબ, લોહી અને પરુના લેબોરેટરી સેમ્પલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, ગુજરાતના રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં એન્ટિ માઇક્રોબિયલ રેજિસ્ટન્સ(AMR)ના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે. અગાઉ જે રોગો ચપટીમાં મટી જતા હતા તે રોગ હવે એમ્પિસિલિન, સિપ્રોફ્લોક્સાસીન અને લેવોફ્લોક્સાસીન જેવી સ્ટાન્ડર્ડ એન્ટિબાયોટિક્સ આપવા છતાં મટતા જ નથી. જો આ જ સ્થિતિ રહી તો ભવિષ્યમાં સામાન્ય ઓપરેશન કે સિઝેરિયન પછી થતા ઈન્ફેક્શનમાં દર્દીઓ સીધા મોતના મોંમાં ધકેલાઈ જશે.

