જેક્લિન ફર્નાન્ડિઝની સાથે લિપાક્ષી ઇલાવાડીને પણ આરોપી બનાવવા બાબતે ૧૫ સપ્ટેમ્બરે નિર્ણય
Mumbai, તા.૯
દિલ્હીની ધ રાઉઝ એવન્યુ કોર્ટના મકોકા ન્યાયાધીશ ગગનદીપ સિંહે ૨૦૦ કરોડ રૂપિયાની ખંડણીના મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ-મકોકા-હેઠળ નોંધવામાં આવેલાં કેસમાં હિન્દી ફિલ્મોની હિરોઇન જેક્લિન ફર્નાન્ડિઝ અને લિપાક્ષી ઇલાવાડીને આરોપી બનાવવા બાબતે દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાનો પ્રતિભાવ માગ્યો છે.
આ કેસમાં સુકેશ ચન્દ્રશેખર અને અન્યો સામે આરોપો ઘડવાની સાથે આ બંને યુવતીઓને સાક્ષીઓમાંથી આરોપી બનાવવા બાબતે કોર્ટે તેનો આદેશ અનામત રાખ્યો છે. આ કેસની સુનાવણી હવે પંદરમી સપ્ટેમ્બરે થવાની છે ત્યાં સુધીમાં દિલ્હી પોલીસને તેનો પ્રતિભાવ આપવા જણાવાયું છે.
હાલ આ કેસમાં જેક્લિનનું નામ આરોપી તરીકે નથી.આ બંને યુવતીઓને આરોપી બનાવવાની માંગણી કરતી અરજી નવાસ કક્કત દ્વારા કરવામાં આવી હતી. કક્કત સામે નોંધાવવામાં આવેલાં પૂરક આરોપનામા અનુસાર સુકેશના નાણાંનો કારભાર, પેમેન્ટની બેન્ક એન્ટ્રીઓ તથા નાણાં પિન્કી ઇરાની, લીપાક્ષી ઇલાવાડી અને જેક્લિન ફર્નાન્ડિઝને ટ્રાન્સફર કરવાના કામમાં સુકેશ ચન્દ્રશેખરને કક્કત સહાય કરતો હતો. કક્કતને યુએઇથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.અન્ય એક મની લોન્ડરિંગના કેસમાં જેક્લિન સામે ધરપકડ કર્યા વિના આરોપનામું મુકી તેને આરોપી બનાવવામાં આવેલી છે અને અદાલત દ્વારા તેને જામીન આપવામાં આવેલાં છે. આ કેસ હજી પેન્ડિંગ છે.

