World Suicide Prevention Day નિમિત્તે આ વર્ષે ‘આત્મહત્યા અંગેની ધારણાઓ બદલવી’ થીમ સાથે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે
નવી દિલ્હી, તા.૧૦
ગુજરાતમાં આત્મહત્યાના વધતા બનાવો ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોડ્ર્સ બ્યુરો (દ્ગઝ્રઇમ્)ના આંકડા મુજબ રાજ્યમાં દર વર્ષે સરેરાશ ૯ હજાર લોકો આત્મહત્યા કરે છે. એટલે કે રાજ્યમાં દર કલાકે આશરે એક વ્યક્તિ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે આત્મહત્યા અંગેની જાગૃતિ વધારવા અને મુશ્કેલીમાં રહેલા લોકોને સમયસર મદદ મળે તે માટે વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં દરરોજ સરેરાશ ૨૪થી ૨૫ લોકો આત્મહત્યા કરે છે. આ આંકડા દર્શાવે છે કે આત્મહત્યા માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સામાજિક ચિંતાનો પણ વિષય બની રહ્યો છે. આર્થિક સંકડામણ, બેરોજગારી, પારિવારિક સમસ્યાઓ, પ્રેમસંબંધ સહિતના વિવિધ કારણો વ્યક્તિને ગંભીર માનસિક તણાવ તરફ ધકેલી શકે છે. રાજ્યના ચાર મોટા શહેરોમાં આત્મહત્યાના ૩૧ ટકાથી વધુ કેસ નોંધાતા હોવાનું પણ અહેવાલમાં સામે આવ્યું છે.આત્મહત્યાના બનાવોમાં રોજમદાર શ્રમિકોનો હિસ્સો ૩૪ ટકાથી વધુ હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે.
આ ઉપરાંત ગંભીર બીમારી, નશાની લત, ડિપ્રેશન અથવા અન્ય માનસિક સમસ્યાઓ, વૃદ્ધાવસ્થા, અગાઉનો આત્મહત્યાનો પ્રયાસ, તાજેતરમાં બનેલી આઘાતજનક ઘટના અને પરિવાર તરફથી પૂરતા સહકારનો અભાવ જેવા પરિબળો પણ જોખમ વધારી શકે છે. દેવું, બેરોજગારી, જુગાર અને નાણાકીય નુકસાન જેવી પરિસ્થિતિઓ પણ વ્યક્તિ પર ભારે માનસિક દબાણ ઊભું કરી શકે છે.વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે આ વર્ષે ‘આત્મહત્યા અંગેની ધારણાઓ બદલવી’ થીમ સાથે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આત્મહત્યાને લઈને સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરીને મુશ્કેલીમાં રહેલા વ્યક્તિ સાથે ખુલ્લા મનથી વાત કરવી જરૂરી છે. તેની વાત શાંતિથી સાંભળવી, લાગણીઓને સમજવી અને તેને એકલા ન પડવા દેવું મહત્વપૂર્ણ છે.
વ્યક્તિને પડકારવા કે તેની સમસ્યાને નાની ગણવાને બદલે યોગ્ય વિકલ્પો અને મદદ વિશે વાત કરવી જોઈએ.આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા કાઉન્સેલિંગ, સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે જાગૃતિ અને લોકોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્ર તરફથી પણ વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. નિષ્ણાતોની સલાહ મુજબ, કોઈ વ્યક્તિ આત્મહત્યાના વિચારો વ્યક્ત કરતી હોય તો તેને ગંભીરતાથી લઈને તાત્કાલિક પરિવારજનો, વિશ્વાસુ વ્યક્તિ અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતનો સંપર્ક કરાવવો જોઈએ. સમયસર વાતચીત, સહકાર અને યોગ્ય સારવાર જીવન બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

