કડી પોલીસે લૂંટમાં ગયેલા મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલાં બે બાઇક સહિત કુલ રૂ.૧,૧૬,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
Mehsana, તા.૧૦
કડી પંથકમાં નર્મદા મુખ્ય કેનાલ અને નિર્જન રસ્તાઓ પર રાહદારીઓ તથા વાહનચાલકોને છરી બતાવી લૂંટ આચરતી રીઢા ગુનેગારોની ટોળકીને કડી પોલીસે લૂંટમાં ગયેલા મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલાં બે બાઇક સહિત કુલ રૂ.૧,૧૬,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.કડી પીઆઈ એ.એસ.રબારી, પીએસઆઈ આર.આર.પરમાર સહિત સર્વેલન્સ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કડી-થોળ રોડ પર મુખ્ય નર્મદા કેનાલના કરણનગર વાય જંક્શન પાસે વામજ તરફથી બે બાઈક પર આવતા શખ્સો શંકાસ્પદ જણાતાં પોલીસે તેમને રોકીને તપાસ હાથ ધરી હતી.
સઘન પૂછપરછ કરતાં લૂંટની ત્રણ ઘટનાઓનો પર્દાફાશ થયો હતો.આરોપીઓએ કબૂલાત કરી હતી કે, ગત તા.૨૮ ઓગસ્ટે રક્ષાબંધનના રોજ રાત્રે તેઓએ કેનાલના અવાવરું સર્વિસ રોડ પર ઊભેલી લાલ વેગનઆર કારના કાચ પથ્થર મારીને તોડી નાખ્યા હતા અને અંદર બેઠેલા કપલને છરી બતાવી ધમકાવી ચાંદીની લકી, વીંટી તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી. પોલીસે ભોગ બનનારનો સંપર્ક કરી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
કોર્ટમાંથી રિમાન્ડ મેળવીને પૂછપરછ કરતાં આરોપીઓએ એકાદ માસ અગાઉ પીરોજપુર કેનાલ પાસે પલટી ગયેલી ટ્રકના ચાલકને છરી બતાવી રૂ.૪૦,૦૦૦ રોકડા તથા મોબાઇલ તેમજ દોઢેક માસ અગાઉ થોળ રોડ પર બોરીસણા પાસે ઊભેલી ટ્રકના ચાલક પાસેથી રૂ.૨,૨૦૦ની લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે દશરથ ઉર્ફે દસો બજાણીયા (રહે.કરશનપુરા-ઝાલાસર, તા.કડી), જોગેન્દર ઉર્ફે જોગી મંગળભાઈ બજાણીયા, અર્જુન બાબુભાઈ બજાણીયા, ગોપાલ ઉર્ફે ગોપી બાબુભાઈ રાવળ (ત્રણેય રહે. વામજ, ઈન્દીરાનગર, તા.કડી) તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરો સહિત કુલ ૬ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અન્ય કોઈ વ્યક્તિઓ સાથે આ પ્રકારનો લૂંટનો બનાવ બન્યો હોય તો કડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

