કિંજલે તેના પતિ સાથે કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સથી હાજર રહી કેફિયત વર્ણવી
કિંજલ રબારી અને તેના પતિને જીવનું જોખમ હોઈ પોલીસ સુરક્ષા પૂરી પાડવા હાઈકોર્ટનો આદેશ
Ahmedabad, તા.૧૦
જાણીતા ગાયક કિંજલ રબારી અને તેના પતિને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કિંજલના અપહરણની ચકચારી ઘટના બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. આ મામલે ધરપકડથી બચવા તેમણે હાઈકોર્ટમાં ધા નાખી હતી. આ કેસની સુનાવણીમાં કિંજલ અને તેના પતિ વીડિયો કોન્ફરન્સિંગથી હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ કિંજલે કોર્ટ સમક્ષ એવી કેફિયત જણાવી હતી કે કોઈએ પણ મારું અપહરણ કર્યું નથી અને હું મારી મરજીથી મારા પતિ સાથે રહું છું. જસ્ટિસ એમ. કે. ઠક્કરે આદેશમાં નોંધ્યું હતું કે, કિંજલ અને તેના પતિ કોર્ટ સમક્ષ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ મારફતે હાજર રહ્યા હતા અને કોર્ટને જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિએ તેનું અપહરણ કર્યું નહોતું અને તે સ્વૈચ્છાએ તેના પતિ સાથે ગઈ છે. જોકે, તેનું કુટુંબ આ રિલેશનશીપથી નારાજ છે. તેમના પરિવારે માત્ર તેમને હેરાન કરવાના આશયથી આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં, તેમને તેમના કુટુંબથી જીવનું જોખમ પણ હોવાનું કહેવામાં આવ્યું છે.
હાઈકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, હાલના સંજોગોમાં તેમને કુટુંબના સભ્યોથી જીવનું જોખમ હોઈ તેમને પોલીસ સંરક્ષણની જરૂર જણાય છે. અગાઉ પણ હેબિયસ કોર્પસ અરજી થઈ હતી અને એમાં જ્યારે કિંજલને કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવી ત્યારે કુટુંબના દબાણ વચ્ચે તેણે હાલના અરજદાર(પતિ) સાથે જવાનો ઈનકાર કરી દીધો હતો. તે હાલ ૨૪ વર્ષની પુખ્ત છે અને સ્વેચ્છાએ પતિ સાથે જ રહેવા ઈચ્છે છે. આ બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લેતાં હાલની પોલીસ ફરિયાદ કાયદાના દુરુપયોગ સિવાય બીજું કશું જ જણાતું નથી. આ કોર્ટે બંને અરજદારો સાથે વાત કરી છે અને કિંજલે કોર્ટને જણાવ્યું છે કે તેના પર કોઈ જાતનું દબાણ નથી અને એ સ્વૈચ્છાએ પતિ સાથે જ રહેવા ઈચ્છે છે.
આ સંજોગોમાં અરજદારોને જીવનું જોખમ હોવાની રજૂઆત કરવામાં આવી છે, ત્યારે એ બંનેને પૂરતી પોલીસ સલામતી આપવા પોલીસ કમિશનરને આદેશ કરવામાં આવે છે. આ આદેશ લખાવ્યા બાદ પણ હાઈકોર્ટના જસ્ટિસ ઠક્કરે સરકારી વકીલને મૌખિક સૂચના આપી હતી કે દંપતીને કંઈ પણ થવું જોઈએ નહીં અને અત્યારથી જ બંનેને પૂરતી સુરક્ષા મળવી જોઈએ.

