Ahmedabad,તા.૧૧
ગુજરાત રાજ્ય રમતગમત ક્ષેત્રે વૈશ્વિક ફલક પર પોતાની ઓળખ વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે. ગુજરાતને વર્ષ ૨૦૩૦ની Commonwealth Games 2030ની યજમાની મળી છે. આ ભવ્ય આંતરરાષ્ટ્રીય રમત મહોત્સવના સફળ આયોજન માટે રાજ્ય સરકારે અત્યારથી જ વ્યાપક સ્તરે કામગીરી શરૂ કરી દીધી છે. જે અંગે આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર છેલ્લા એક વર્ષમાં આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
રમતોના આયોજન માટે હોસ્ટ કોલોબ્રેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત જરૂરી હોસ્ટ ફીની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ રોજ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરીને અમદાવાદ ૨૦૩૦ કોમનવેલ્સ ગેમ સંગઠન નામની કંપનીની રચના કરવામાં આવી છે. આ કંપની એક્ટ- ૨૦૧૩ની કલમ- ૮ હેઠળ નોંધાયેલી આ સંસ્થા ૨૦૩૦ની રમતોના આયોજન અને સંચાલન માટે સંપૂર્ણ જવાબદારી સંભાળશે.
આ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે રાજ્ય સરકારે આર્થિક જોગવાઈઓમાં પણ કોઈ કસર છોડી નથી. છેલ્લા એક વર્ષમાં આ હેતુ માટે કુલ ૩૦૧ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત આયોજન માટે મહેસૂલી ખર્ચ ૧૦૦ કરોડ કરાયો છે. જ્યારે હોસ્ટ કોલોબ્રેશન એગ્રીમેન્ટ મુજબ હોસ્ટ ફી ૨૦૦ કરોડ જોગવાઈ તેમજ આયોજન માટે મૂડી સદરે ટોકન જોગવાઈ ૧ કરોડ જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત રમતોના આયોજનના સ્થળોની પસંદગી, સંચાલન અને અન્ય વ્યવસ્થાઓ માટે અત્યારે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ, ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશન અને આંતરરાષ્ટ્રીય રમતગમત મહાસંઘો સાથે સતત પરામર્શ કરવામાં આવી રહ્યો છે, જેથી ગુજરાત વૈશ્વિક માપદંડો મુજબની સુવિધાઓ પૂરી પાડી શકે. આ આયોજનથી ગુજરાતમાં રમતગમતનું માળખું વધુ સુદ્રઢ બનશે અને સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર મળશે. અમદાવાદ ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સના માધ્યમથી ગુજરાત ફરી એકવાર પોતાની સંગઠન શક્તિ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન વિશ્વ સમક્ષ કરશે.

