૩૫ હજારથી વધુ સમાધાનલાયક કેસો મુકાશે, પ્રી-લિટિગેશન કેસોનો પણ નિકાલ થશે
ચેક રિટર્ન, બેંક લેણાં, અકસ્માત વળતર, લગ્નવિષયક સહિતના કેસોમાં સમાધાનથી ઝડપી ન્યાય
Rajkot
રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં આવતીકાલે તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલત યોજાશે. રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ રાજકોટ જિલ્લા મથક તેમજ તાલુકા મથકની તમામ અદાલતોમાં યોજાનારી આ લોક અદાલતમાં પક્ષકારો વચ્ચે સમાધાન થઈ શકે તેવા ૩૫ હજારથી વધુ કેસો મુકવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની સત્તાવાર માહિતી મુજબ ૧૨ સપ્ટેમ્બરે વર્ષ-૨૦૨૬ની ત્રીજી નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે. આ મેગા લોક અદાલતમાં અદાલતોમાં પડતર કેસો ઉપરાંત અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાંના પ્રી-લિટિગેશન કેસો પણ હાથ પર લેવામાં આવશે.તેમાં ફોજદારી સમાધાનલાયક કેસો, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-૧૩૮ હેઠળના ચેક રિટર્નના કેસો, બેંક લેણાંના કેસો, મોટર અકસ્માત વળતર દાવાઓ, લગ્નવિષયક કેસો, મજૂર અદાલતના કેસોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત જમીન સંપાદન, વીજળી તથા પાણીના બિલ, મહેસૂલી કેસો, ભાડા, સુખાધિકાર, મનાઈ હુકમ, કરાર પાલન સહિતના દિવાની કેસો તથા અન્ય સમાધાનલાયક કેસોનો પણ નિકાલ કરવામાં આવશે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી.કે. ચૌહાણ દ્વારા તમામ પક્ષકારોને લોક અદાલતમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. બંને પક્ષકારોની સંમતિથી કેસનો નિકાલ થતો હોવાથી લાંબી કાનૂની કાર્યવાહી, સમય અને ખર્ચમાંથી મુક્તિ મળે છે.

