૨૫ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ઝળકશે સુરેન્દ્રનગરની ગ્રામ્ય પ્રતિભા*
મહેશ રાવલ Surendranagar
ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ, કલા અને પરંપરાઓનું જીવંત દર્શન કરાવતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો આ વર્ષે પણ સાંસ્કૃતિક રંગોથી ઝળહળી ઊઠશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તૃતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારી આ સ્પર્ધાઓમાં લોકગીત, ભજન, દુહા-છંદ, લોકનૃત્ય, પરંપરાગત વાદન, હસ્તકલા અને વેશભૂષા સહિતની વિવિધ કલાઓનો સંગમ જોવા મળશે.
તરણેતરના મેળાને સાંસ્કૃતિક સ્વરૂપ આપવા આ સ્પર્ધાઓનું આયોજન ત્રીજી વખત કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પેઢીઓથી સચવાયેલી કલાઓને યોગ્ય મંચ આપવો, નાના-મોટા કલાકારોને પ્રોત્સાહિત કરવા, તેમની પ્રતિભાને નવી ઓળખ અપાવવી, આજીવિકા અને આર્થિક સહયોગની તકો ઊભી કરવી તથા વિસરાતી જતી લોકકળાઓનું જતન કરવું એ આ આયોજનના મુખ્ય ઉદ્દેશો છે.
ગુજરાત સરકાર દ્વારા લોકકળા અને યુવા પ્રતિભાના સંવર્ધન માટે વિવિધ સ્પર્ધાઓ, તાલીમ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ જ દિશામાં તરણેતર મેળામાં યોજાતી આ સ્પર્ધાઓ દ્વારા ગ્રામ્ય કલાકારોને રાજ્ય સરકારના સાંસ્કૃતિક મંચ સાથે જોડવામાં આવી રહ્યા છે. કલાકારોને રજૂઆત માટેનું મંચ, સ્પર્ધાત્મક તક, સન્માન અને પુરસ્કાર ઉપરાંત મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કલા રજૂ કરવાની તક આપીને તેમની પ્રતિભાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગત વર્ષોની સફળતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ પરંપરાગત ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજવામાં આવી છે. ગત વર્ષે ૫૫૦થી ૬૦૦ જેટલી એન્ટ્રીઓ મળી હતી, જ્યારે આ વર્ષે મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને પગલે અંદાજે ૭૦૦થી ૮૦૦ જેટલી એન્ટ્રીઓ મળવાની સંભાવના છે.
આ વર્ષે કુલ ૨૫ સ્પર્ધાઓ યોજાશે. તે પૈકી ૨૩ સ્પર્ધાઓ મુખ્ય સાંસ્કૃતિક સ્ટેજ પર યોજાશે, જ્યારે શ્રેષ્ઠ ખેલૈયા અને બેસ્ટ રાવટી સ્પર્ધાઓનું મૂલ્યાંકન નિર્ણાયકો દ્વારા મેળાના સ્થળે રૂબરૂ જઈને કરવામાં આવશે. વિજેતાઓને સરકારશ્રી તરફથી શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વિજેતા કલાકારોને સાંજના મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મોટા ગજ્જાના કલાકારો સાથે મંચ પર પોતાની કળા રજૂ કરવાની તક પણ મળશે.
ત્રણ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે, તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ વાદન આધારિત સ્પર્ધાઓ યોજાશે. તેમાં રાવણહથ્થો, ઢોલ, શરણાઈ, વાંસળી, મોરલી, ડાક-ડમરુ, શંખ, ઝાંઝ-મંજીરા અને કરતાલનો સમાવેશ થાય છે. ડાક-ડમરુની ગાયન સાથેની રજૂઆત પણ આ દિવસનું વિશેષ આકર્ષણ રહેશે.
તા. ૧૫ સપ્ટેમ્બરે બીજા દિવસે ગાયન અને અન્ય પરંપરાગત કળાઓની સ્પર્ધાઓ યોજાશે. તેમાં લોકગીત, ભજન, દુહા-છંદ, ભવાઈ, બહુરૂપી, લાકડી ફેરવવી અને પારંપરિક ભરતગૂંથણનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓ ગુજરાતની લોકવાણી, લોકસાહિત્ય, લોકનાટ્ય અને પરંપરાગત હસ્તકલાની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરશે.
તા. ૧૬ સપ્ટેમ્બરે અંતિમ દિવસે નૃત્ય અને વેશભૂષા આધારિત સ્પર્ધાઓ યોજાશે. તેમાં એકલ નૃત્ય, હુડો રાસ, રાસ, લોકનૃત્ય, છત્રી સજાવટ તથા ભાઈઓ અને બહેનો માટે પરંપરાગત વેશભૂષાની સ્પર્ધાઓ યોજાશે. રાસ-હુડાના તાલ અને પરંપરાગત વેશભૂષાની રંગતથી તરણેતરનું સાંસ્કૃતિક વાતાવરણ વધુ જીવંત બનશે.
લુપ્ત થતી લોકકળાઓને નવી પેઢી સુધી પહોંચાડવા રાવણહથ્થો, શરણાઈ, ઢોલ અને રાસમંડળીઓ સાથે સંકળાયેલા કલાકારોને ત્રણેય દિવસ મેળાના પરિસરમાં વિવિધ સ્થળોએ પોતાની કલા રજૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ જીવંત રજૂઆતો દ્વારા મેળામાં આવતા નાગરિકો અને યુવાનોને ગુજરાતની પ્રાચીન લોકકળાઓનો નજીકથી પરિચય મળશે.
સરકારશ્રી દ્વારા કલાકારોને આપવામાં આવતી આ તક સાંસ્કૃતિક જતન સાથે સ્થાનિક પ્રતિભાના સશક્તિકરણનું પણ માધ્યમ બની રહી છે. રાજ્યમાં કલા મહાકુંભ, લોકનૃત્ય તાલીમ શિબિર અને વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ દ્વારા કલાકારોને મંચ અને પ્રોત્સાહન આપવામાં આવે છે. તરણેતરની આ પહેલમાં પણ ગ્રામ્ય કલાકારોને પોતાની કલા રજૂ કરવાની તક સાથે સન્માન, પુરસ્કાર અને મોટા સાંસ્કૃતિક મંચ સુધી પહોંચવાનો માર્ગ મળી રહ્યો છે.
આ સ્પર્ધાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના સ્પર્ધકો અને કલાવૃંદો ભાગ લેશે. સ્થાનિક કલાકારોને કેન્દ્રસ્થાને રાખીને યોજાતું આ આયોજન જિલ્લાના ગામડાંમાં રહેલી વિવિધ પ્રતિભાઓને ઓળખ અને પ્રોત્સાહન આપશે. લોકગાયક, વાદ્ય કલાકાર, નૃત્યકાર, હસ્તકલાકાર, ભવાઈ અને બહુરૂપી કલાકારો સહિત વિવિધ લોકકળા સાથે જોડાયેલા કલાકારો માટે આ મંચ પોતાની આગવી ઓળખ ઊભી કરવાની તક બનશે.
આમ, તા. ૧૪થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી તૃતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ તરણેતરના લોકમેળાને લોકકળા અને ગ્રામ્ય પ્રતિભાના વિશાળ મંચમાં રૂપાંતરિત કરશે. રાવણહથ્થાના સૂરથી લઈને ઢોલના ધબકાર, લોકગીતોની મધુરતા અને રાસ-હુડાના તાલ સુધીની વિવિધ કલાઓ નવી પેઢી સુધી પહોંચશે. ગુજરાતની અણમોલ સાંસ્કૃતિક ધરોહરનું જતન, ગ્રામ્ય કલાકારોને પ્રોત્સાહન અને લોકકળાને નવી પેઢી સાથે જોડવાનું સરકારનું કાર્ય આ આયોજન દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે

