Ahmedabad,તા.૧૯
અમદાવાદના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ગાંજાનો જથ્થો આપનાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ૨૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દાણીલીમડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે એક વ્યક્તિ બેેરલ માર્કેટ નજીક ખજૂરી રોડ પર આવેલી એલન નગર મસ્જિદ પાસે ખુલ્લી જગ્યામાં ગાંજાનું વેચાણ કરી રહ્યો છે.
મળેલી માહિતીના આધારે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.જે. સોલંકી અને સર્વેલન્સ સ્કોડની ટીમે સ્થળ પર કાર્યવાહી કરી હતી. પોલીસ ટીમે બાતમીમાં જણાવેલા વ્યક્તિને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ યુનુસ ઉર્ફે પાઈપ અબ્દુલ રહેમાન રંગરેજ, ઉંમર ૪૯ વર્ષ, રહે. સિટીઝન નગર, ગોસિયા મસ્જિદ પાસે, બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ તરીકે થઈ છે. પોલીસે આરોપીના કબજામાંથી પરવાનગી વિના રાખવામાં આવેલ ગાંજા નો જથ્થો મળી આવ્યો હોવાનું જણાવ્યું છે. પોલીસે આરોપી પાસેથી ગાંજાનો નેટ વજન ૨૦૦ ગ્રામ જપ્ત કર્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ આ મુદ્દામાલની કિંમત આશરે રૂ.૧૦,૦૦૦ હોવાનું નોંધાયું છે. આ સમગ્ર કાર્યવાહી દાણીલીમડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સી.ટી. દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની સૂચનાના પગલે આ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ કેસમાં પોલીસે માત્ર ગાંજાનો જથ્થો વેચતો હોવાનો આરોપ ધરાવતા યુનુસ ઉર્ફે પાઈપની ધરપકડ કરી નથી, પરંતુ તેને ગાંજાનો જથ્થો આપનાર અન્ય વ્યક્તિનું નામ પણ ફરિયાદમાં નોંધ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ સલમાન ઉર્ફે પતરો, મો. અશરફ સૈયદ, રહે. એ-વન નગર, દાણીલીમડા, અમદાવાદ શહેર, આ કેસમાં વોન્ટેડ છે. તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

