પઓપરેશન અમાનત અંતર્ગત મોબાઈલ, રોકડ, ઘરેણાં તેમજ અન્ય સામાન સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો
Rajkot તા.૨૦ઃ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા બળ (RPF - Railway Protection Force) દ્વારા મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે મુસાફરી દરમિયાન ભૂલી ગયેલા સામાનને સુરક્ષિત પરત સોંપવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ જ ક્રમમાં દ્વારકા પોસ્ટ અંતર્ગત ઓખા આઉટ પોસ્ટ તથા જામનગર રેલવે સુરક્ષા બળ પોસ્ટના જવાનોએ બે મુસાફરોને કુલ ૧.૮૪ લાખથી વધુ મૂલ્યનો સામાન સુરક્ષિત રીતે પરત કરીને પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઓખામાં મુસાફરને ૧.૦૨ લાખની કિંમતનો સામાન પરત કરાયો
તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ટ્રેન નંબર ૧૯૨૫૧ વેરાવળ-ઓખા એક્સપ્રેસના ઓખા સ્ટેશન પર આગમન બાદ રેલવે સુરક્ષા બળના જવાનો દ્વારા ટ્રેનની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન એક બેગ મળી આવી હતી, જેમાં બે મોબાઈલ ફોન અને ૧,૨૦૦ રોકડા મળ્યા હતા. મોબાઈલ ફોન ચાલુ હાલતમાં હોવાથી રેલવે સુરક્ષા બળના જવાનોએ સંબંધિત મુસાફરનો સંપર્ક કર્યો હતો.
મુસાફરને તેનો સામાન ઓખા રેલવે સુરક્ષા બળ કાર્યાલયમાં સુરક્ષિત હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલ મદદ (છફશહ ખફમફમ) ના માધ્યમથી ફરિયાદ નોંધવામાં આવી અને મુસાફર ઓખા રેલવે સુરક્ષા બળ પોસ્ટ પર ઉપસ્થિત થયો.
જરૂરી કાગળની કાર્યવાહી અને ઓળખની ચકાસણી બાદ મુસાફર સુધાકર ચોલે (રહેવાસી તેલંગાણા) ને તેમનો સામાન સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. મળી આવેલા સામાનમાં એપલ કંપનીનો મોબાઈલ ફોન આશરે ૮૦,૦૦૦, બીજો મોબાઈલ ફોન આશરે ૨૦,૦૦૦, ૧,૨૦૦ રોકડા તેમજ આશરે ૮૦૦ ની કિંમતની બેગ સામેલ હતી. આમ, કુલ ૧,૦૨,૦૦૦ ની કિંમતનો સામાન મુસાફરને પરત કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં રેલવે સુરક્ષા બળના સબ ઈન્સ્પેક્ટર જાકે ખાન અને કોન્સ્ટેબલ અરૂણની મહત્વની ભૂમિકા રહી હતી. મુસાફરે રેલવે સુરક્ષા બળની તત્પરતા અને પ્રામાણિકતાની પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો હતો.
જામનગરમાં મહિલા મુસાફરને ૮૨,૦૦૦ ની કિંમતનો સામાન પરત કરાયો
એક અન્ય કિસ્સામાં તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જામનગર સ્ટેશન પર ટ્રેન નંબર ૧૫૦૪૬ ઓખા-ગોરખપુર એક્સપ્રેસના જનરલ કોચમાં ચઢતી વખતે એક મહિલા મુસાફરનું પર્સ પડી ગયું હતું. મહિલા મુસાફર દ્વારા રેલ મદદ મારફતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરજ પર તૈનાત રેલવે સુરક્ષા બળના સબ ઈન્સ્પેક્ટર શિવશંકર કટિયાર દ્વારા સ્ટેશન પર તપાસ કરતા પર્સ મળી આવ્યું હતું.
મહિલા મુસાફરને પર્સ મળી ગયાની જાણ કરવામાં આવી હતી અને જામનગર આવીને રેલવે સુરક્ષા બળ કાર્યાલયમાંથી તે મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ મહિલા મુસાફર મનોરમા (રહેવાસી મધ્યપ્રદેશ) જામનગર રેલવે સુરક્ષા બળ કાર્યાલય પહોંચ્યા હતા.
પર્સની તપાસ કરતા તેમાંથી વિવો કંપનીનો મોબાઈલ ફોન આશરે ૭,૦૦૦, ચાંદીના ચાર જોડી સાંકળા (ઝાંઝર) આશરે ૨૫,૦૦૦, ચાંદીની ત્રણ જોડી માછલી (વીંછીયા) આશરે ૮,૦૦૦, સોનાની કાનની બુટ્ટી (ટોપ્સ) આશરે ૪૦,૦૦૦, ચાંદીની રાખડી આશરે ૧,૦૦૦, અન્ય સામાન આશરે ૫૦૦ તથા આશરે ૫૦૦ ની કિંમતનું લેડીઝ પર્સ મળી આવ્યું હતું. આમ, કુલ સામાનની અંદાજિત કિંમત ૮૨,૦૦૦ હતી.
જરૂરી ચકાસણી અને કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ઉપરોક્ત સામાન મહિલા મુસાફરને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. મહિલા મુસાફરે રેલવે સુરક્ષા બળ, જામનગરની તત્પરતા અને પ્રામાણિકતાની પ્રશંસા કરીને આભાર માન્યો હતો.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ઉછખ) શ્રી ગિરિરાજ કુમાર મીના તથા ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર શ્રી કમલેશ્વર સિંહે આ પ્રશંસનીય કાર્ય બદલ સંબંધિત રેલવેકર્મીઓની તત્પરતા, પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના રેલવે સુરક્ષા બળની ઉત્કૃષ્ટ કાર્યશૈલી અને મુસાફરોની સુરક્ષા પ્રત્યેની તેની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

