ઋષિ સુનક ૧૯૯૦માં ટૉરી સાંસદ નૉર્મન ટેબિટ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ટેબિટ ટેસ્ટ’ની આલોચના કરી
London, તા.૨૨
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે દેશમાં જાતિ અને રંગભેદના મુદ્દે એક નવો અને મહત્વપૂર્ણ વિવાદ છેડ્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિની ત્વચાનો રંગ તેની રાષ્ટ્રીયતા નક્કી કરી શકતો નથી. પોતાના એક ભાષણ દ્વારા તેમણે બ્રિટિશ સમાજમાં વધી રહેલા પક્ષપાત અને પડકારો પર ખુલીને ચર્ચા કરી છે.ઋષિ સુનકે પોતાની બેવડી ઓળખ વિશે વાત કરતા કહ્યું કે તેઓ ગર્વથી અંગ્રેજ પણ છે અને હિન્દુ પણ છે. તેમણે ૧૯૯૦માં ટૉરી સાંસદ નૉર્મન ટેબિટ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ટેબિટ ટેસ્ટ’ની આલોચના કરી.
આ ટેસ્ટ મુજબ, જો કોઈ પ્રવાસી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમની જગ્યાએ પોતાના મૂળ દેશનું સમર્થન કરે, તો તેને બ્રિટિશ સમાજમાં એકરૂપ ન થવાનું પ્રતીક માનવામાં આવતું હતું. સુનકના મતે, આ વિચારસરણી હવે બદલાવ માંગી રહી છે.સુનકે ચેતવણી આપી છે કે, બ્રિટનમાં રંગભેદ અને જાતિવાદનું એક નવું જોખમ ઊભું થઈ રહ્યું છે, જેને ‘ઉલટા ટેબિટ ટેસ્ટ’ કહી શકાય. તેમણે કહ્યું કે આજના સમયમાં જો કોઈ વ્યક્તિ ગોરી ન હોય, તો તે ભલે ગમે તેટલી દેશભક્તિ દર્શાવે કે ક્રિકેટમાં કોનું સમર્થન કરે, તેને ક્યારેય પૂર્ણ અંગ્રેજ માનવામાં આવતો નથી. આ સિવાય તેમણે ઇસ્લામવાદ અને ઇમિગ્રેશનને નિયંત્રિત કરવામાં સરકારી નિષ્ફળતા જેવા ગંભીર પડકારોનો પણ ઉલ્લેખ કર્યો છે.

