૨૧ વેગનમાં ૧,૩૫૧ ટન ઘઉં રવાના ૨,૪૫૦ કિલોમીટરના અંતરથી રેલવેને ૪૪.૯૮ લાખની આવક થઈ
Rajkot તા.૨૩ઃ
રાજકોટ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં નવા ગંતવ્ય સ્થાન ગંગઈકોંડાન માટે પ્રથમ વખત ઘઉંનું લોડિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ () ના સતત અને સક્રિય પ્રયાસોથી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાજકોટ ગૂડ્ઝ શેડથી તમિલનાડુના મદુરૈ ડિવિઝન સ્થિત ગંગઈકોંડાન માટે ૨૧ વેગનમાં કુલ ૧,૩૫૧ ટન ઘઉં ભરવામાં આવ્યા હતા. આ માલગાડી આશરે ૨,૪૫૦ કિલોમીટરનું અંતર કાપીને ગંગઈકોંડાન પહોંચશે, જેનાથી રેલવેને ૪૪.૯૮ લાખની માલભાડા આવક થઈ છે.
ગંગઈકોંડાન માટે વિકસાવવામાં આવેલી આ નવી ઓરિજિન-ડેસ્ટિનેશન પેર (ઉદ્ગમ-ગંતવ્ય જોડી) રાજકોટ ડિવિઝન દ્વારા માલ પરિવહનની નવી તકો વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. લાંબા અંતર સુધી અનાજનું રેલ પરિવહન સલામત, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે દેશના વિવિધ વિસ્તારોને રેલ નેટવર્ક દ્વારા જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન દ્વારા નવા ગંતવ્યોની ઓળખ કરીને માલ પરિવહનને વેગ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવા ગંતવ્ય ગંગઈકોંડાન માટે ઘઉંનું આ પ્રથમ લોડિંગ નવી માલ પરિવહન તકો વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે, ‘‘નવા માલ પરિવહનના અવસરો વિકસાવવા એ અમારી નિરંતર પ્રાથમિકતા છે. વધુ ગંતવ્ય, વધુ તકો, વધુ સશક્ત રેલવે ના સંકલ્પ સાથે અમે વેપારી ક્ષેત્રોને રેલ નેટવર્ક સાથે જોડીને માલવાહક ટ્રાફિક અને માલભાડાની આવક બંને વધારવાની દિશામાં સતત કામ કરી રહ્યા છીએ.’’

