અમરેલીના વાંકીયા ગામે દરોડો પાડી ૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરાયો,૨ ડમ્પર, ૨ ટ્રેક્ટર અને રેતી ચાળવાના ચારણા જપ્ત
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૩ઃ
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા વધુ એક વખત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમરેલી તાલુકાના વાંકીયા ગામે આજે ખાણ-ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા સાધનો સહિત અંદાજે રૂપિયા ૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી તાલુકાના વાંકીયા ગામે બાતમીના આધારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા ૨ ડમ્પર, ૨ ટ્રેક્ટર તેમજ રેતી ચાળવા માટેના ચારણા સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિભાગની કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
દરમિયાન ખાણ-ખનીજ વિભાગ દ્વારા ચાલુ માસ દરમિયાન અત્યાર સુધીમાં ૨૩ જેટલા કેસો કરી અંદાજે રૂપિયા ૧૫૦ લાખની વસૂલાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ૧૩૦ કેસો નોંધાવી અંદાજે રૂ.૧૭૦ લાખની વસૂલાત કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
અમરેલી જિલ્લામાં ગીર વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં ઇકો સેન્સેટિવ ઝોન અને લાયન કોરિડોરને કારણે કાયદેસરની લીઝ તેમજ બ્લોક પદ્ધતિથી ખનીજ પ્રવૃત્તિ હાથ ધરવામાં અનેક મર્યાદાઓ હોવાનું તંત્રના સૂત્રો જણાવી રહ્યા છે. જેના કારણે ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ પર નજર રાખવી અને તેની સામે કાર્યવાહી કરવી તંત્ર માટે મહત્વપૂર્ણ બની છે.
ખાણ-ખનીજ વિભાગ દ્વારા અગાઉ સીઝ કરવામાં આવેલા ખનીજ જથ્થાની પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. સીઝ કરાયેલો ખનીજ જથ્થો ચોરી થવાના કિસ્સાઓમાં તંત્ર દ્વારા પોલીસ ફરિયાદો પણ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વાંકીયા ગામે તાજેતરની કાર્યવાહી સહિત સતત દરોડા અને કેસોની કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર રેતી-ખનીજની હેરાફેરી કરનારાઓ સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી હોવાનું સ્પષ્ટ થયું છે.

