મનપામાં સહાયક ટેકનિકલ સુપરવાઈઝર અને જુનિયર ક્લાર્ક તરીકે પસંદગી પામેલા ૪૫૦ યુવાનોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત
Ahmedabad, તા.૨૪
અમદાવાદમાં યોજાયેલા વિકાસકામોના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કામકાજ અંગે મહત્વની ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે વિકાસકામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. કોન્ટ્રાક્ટર કેવું કામ કરી રહ્યા છે તેનું યોગ્ય મોનિટરિંગ થાય અને કામ ગુણવત્તાસભર બને તેની મુખ્ય જવાબદારી અધિકારીઓની જ છે. તેથી અધિકારીઓએ પોતાની જવાબદારી સમજીને કામ કરવું જોઈએ જેથી કોઈ ભૂલ કે બેદરકારી ન રહી જાય. વધુમાં, સોશિયલ મીડિયાના વર્તમાન સમયમાં સાવચેતી રાખવા અંગે સૂચન આપતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે જો તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો તેની રીલ વાયરલ થતાં વાર નહીં લાગે.
મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં સંબોધન કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. કોન્ટ્રાક્ટર કેવું કામ કરે છે તેનું સતત મોનિટરિંગ કરવું અને ગુણવત્તાવાળું કામ થાય છે કે કેમ તે જોવાની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની જ છે. અધિકારીઓએ પોતાની આ જવાબદારી સમજીને પૂરી નિષ્ઠાથી કામ કરવું જોઈએ. કામમાં કોઈપણ પ્રકારની ભૂલ કે બેદરકારી ન રહે તે જોવાની પ્રાથમિક ફરજ સરકારી તંત્રની છે.
આજના ડિજિટલ યુગનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્મિક અંદાજમાં કહ્યું કે, “અત્યારે સોશિયલ મીડિયા અને રીલનો જમાનો છે. જો કામમાં તમારાથી ક્યાંય નાની સરખી પણ ભૂલ થઈ, તો તરત જ તેની રીલ બનીને વાયરલ થઈ શકે છે.” આથી, કામગીરીમાં વધુ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત, તેમણે મીડિયાની ભૂમિકા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, મીડિયાની વાતોને હંમેશા પોઝિટિવ રીતે લેવી જોઈએ અને તેમાંથી સુધારાનો માર્ગ અપનાવવો જોઈએ. અમદાવાદના વિકાસના મોડેલના વખાણ કરતા મુખ્યમંત્રીએ અનેક મોટા ઉદાહરણો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કાંકરિયા તળાવ અને સાબરમતી રિવરફ્રન્ટનો શાનદાર વિકાસ કરવામાં આવ્યો છે. નદી કિનારે કાચા મકાનોમાં રહેતા લોકોને પાકા મકાન આપવામાં આવ્યા છે અને નાગરિકોના મનોરંજન માટે વિવિધ અદ્યતન પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા છે. આજના કાર્યક્રમમાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્તની સાથે આવાસોના ડ્રો પણ કરવામાં આવ્યા હતા. વધુમાં, શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બહુચર્ચિત વાડજ ફ્લાયઓવરનું પણ વિશેષ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મનપામાં સહાયક ટેકનિકલ સુપરવાઈઝર અને જુનિયર ક્લાર્ક તરીકે પસંદગી પામેલા ૪૫૦ યુવાનોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. એકસાથે ૪૫૦ લોકોને નિમણૂક પત્ર આપવા તેને મોટી બાબત ગણાવતા ઝ્રસ્એ કહ્યું કે, નોકરી મળ્યા પછી હવે આ યુવાનોએ સિસ્ટમમાં રહીને કેવી રીતે કામ કરવું તે સૌથી મહત્વનું છે. અંતમાં તેમણે ’વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે સૌને એકજૂથ થઈને સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ અને શહેરના વિવિધ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉત્સાહ વધારવા માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

