તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં બનાવ, વનવિભાગે ફૂટેજની તપાસ શરૂ કરી
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૪ઃ
અમરેલી જિલ્લામાં વન્યજીવો માટે માર્ગ અકસ્માતો ચિંતાજનક બની રહ્યા છે ત્યારે ખાંભા ગીર વિસ્તારમાં વધુ એક દીપડાનું વાહન હડફેટે મોત નીપજતાં વન્યજીવ પ્રેમીઓમાં ચકચાર મચી છે. ખાંભાના ખડાધારથી બોરાળા વચ્ચે અજાણ્યા વાહને દીપડાને અડફેટે લીધો હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.મળતી વિગતો મુજબ, તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડ વિસ્તારમાં ખડાધારથી બોરાળા તરફના માર્ગ પર એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃત દીપડાનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં દીપડાનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દીપડાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વનવિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃત દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં જરૂરી તબીબી તપાસ અને નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરાશે. ઘટનાને પગલે વનવિભાગે ખડાધાર-બોરાળા માર્ગ પર લગાવવામાં આવેલા તેમજ આસપાસના કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી છે. અકસ્માત કરનાર અજાણ્યા વાહન અંગે કોઈ કડી મળી શકે છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
ગીર વિસ્તારમાં વન્યજીવોની અવરજવર ધરાવતા માર્ગો પર વાહનોની અવરજવર દરમિયાન સાવચેતી રાખવાની જરૂરિયાત વચ્ચે વધુ એક દીપડાનું માર્ગ અકસ્માતમાં મોત થતાં વન્યજીવ સંરક્ષણને લઈને સવાલો ઊભા થયા છે. વનવિભાગની તપાસ બાદ જ દીપડાના મોતનું ચોક્કસ કારણ અને અકસ્માતમાં સંડોવાયેલા વાહન અંગે સ્પષ્ટતા થઈ શકશે.

