મોટા દેવળિયા ગામે ચેકડેમમાં કાકા-ભત્રીજા સહિત જેતપુરના બે સગા ભાણિયાઓએ જીવ ગુમાવતાં અરેરાટી
ગણેશ વિસર્જન માટે આવેલા લોકોએ કાંઠે પડેલાં કપડાં જોઈ પોલીસને જાણ કરી
ચિતરંજન છાટબાર
Babra તા. ૨૫ઃ
બાબરા બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે આજે બપોરના સમયે એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મોટા દેવળિયા અને ધરાઈ દેવળિયા વચ્ચે, દશામાના મંદિર પાછળ આવેલા ચેકડેમમાં ચાર યુવકો ડૂબી જતાં ચારેયના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ આજે બપોરે આશરે બે વાગ્યાના અરસામાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાવાનો હતો. તે પહેલાં એકબીજાના સગા સંબંધીઓ એવા ચાર યુવકો ચેકડેમ નજીક પહોંચ્યા હતા અને પાણીમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન એક યુવક પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવાના પ્રયાસમાં અન્ય યુવકો પણ પાણીમાં ઉતર્યા હતા અને એક બાદ એક ચારેય યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળે છે.
દરમિયાન ગણેશ વિસર્જન માટે ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ ચેકડેમના કાંઠે યુવકોનાં કપડાં પડેલાં જોયાં હતાં. શંકા જતા ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરાઈ હતી. સ્થાનિક ગ્રામજનો તથા પોલીસની મદદથી ચેકડેમમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ચારેય યુવકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ચારેયના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું હતું.
મૃતકોમાં કનુભાઈ દેવજીભાઈ શિંગાળા અને સચિનભાઈ કાળુભાઈ શિંગાળા, બંને રહે. મોટા દેવળિયા, જ્યારે ભલા પ્રવીણભાઈ જેઠવા અને કેવિન પ્રવીણભાઈ જેઠવા, બંને રહે. નવાગઢ, જેતપુરનો સમાવેશ થાય છે.
પ્રાથમિક માહિતી મુજબ મોટા દેવળિયાના કાકા-ભત્રીજા તેમજ નવાગઢ, જેતપુરના બે સગા ભાણિયાઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. આગામી દિવસોમાં મોટા દેવળિયા ગામે માતાજીના પ્રસંગનું આયોજન હોવાથી જેતપુરથી આવેલા બંને ભાણિયાઓ પણ ગામે આવ્યા હોવાનું જાણવા મળે છે.
એક જ ઘટનામાં ચાર યુવકોના મોતથી તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ખાસ કરીને વાલ્મિકી સમાજના ચાર યુવકોના એકસાથે થયેલા કરુણ મોતના સમાચારથી સમગ્ર સમાજ તથા મોટા દેવળિયા અને આસપાસના ગામોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ઘટનાને પગલે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બનાવની વધુ વિગતો અને ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ બાદ સ્પષ્ટતા થશે.

