દારૂ, બાઈક અને બે મોબાઇલ સહિત રૂ.૫૭,૩૮૦નો મુદ્દામાલ કબજે
હાર્દિક કાનાબાર
Gir Somnath તા.૨૫ઃ
ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની કુલ ૪૪ બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે દારૂ સહિત બાઈક અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.૫૭,૩૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી માહિતી મુજબ, કઈઇના પી.આઈ. એમ.કે. વણારકા, પી.એસ.આઈ. એ.બી. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ એ.બી. ચૌહાણ, એ.કે. સોલંકી, પિયુષભાઈ બારડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પિયુષભાઈ બારડને મળેલી બાતમીના આધારે લાખાપરા ગામ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ભરતભાઈ પરબતભાઈ સોલંકી (ઉં.વ.૩૩, રહે. લાખાપરા, તા.સુત્રાપાડા) તથા નાગજીભાઈ નથુભાઈ વાળા (ઉં.વ.૨૪, રહે. લાખાપરા, તા.સુત્રાપાડા) મળી આવ્યા હતા. પોલીસે નાગજીભાઈ વાળાના કબજાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલની તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ની કુલ ૪૪ પ્લાસ્ટિક બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલોની કિંમત રૂ.૭,૩૮૦, મોટરસાયકલની કિંમત રૂ.૩૦,૦૦૦ તથા બે મોબાઇલ ફોનની કિંમત રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ.૫૭,૩૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, તપાસ દરમિયાન દારૂનો જથ્થો ઉના ખાતે રહેતા ફારૂક ઇબ્રાહિમ શેખે પૂરો પાડ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, કાર્યવાહી દરમિયાન ફારૂક ઇબ્રાહિમ શેખ સ્થળ પર હાજર મળી આવ્યો ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

