Rajkot તા.૨૫ઃ
સુરતમાં મિલકત ખરીદવા આપેલ રકમ પરત કરવા આપેલા બે ચેક રિટર્ન થવાના ગુનામાં ટ્રાયલ કોર્ટે ફરમાવેલી સજાના હુકમ સામે બિલ્ડરે કરેલી અપીલ સેશન્સ કોર્ટે રદ કરી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખતો આદેશ કર્યો છે. વધુ વિગત મુજબ ધર્મેશભાઈ બાબુભાઈ ચૌહાન દ્વારા સુરત ખાતે કઠોર ગામ, અબ્રામા રોડ પ્લોટ નં. ૯૦ દિવ્ય લોક રેસીડેન્સીમા મિલ્કત ખરીદવા બિલ્ડર્સ કેવલભાઈ મનજીભાઈ સુતરીયાને રૂ.૧૪.૧૨ લાખ ચુકવી આપ્યા હતા.
બાદમાં બિલ્ડર્સ દ્વારા દસ્તાવેજ કરી આપવા સમય વિતાવવામાં આવતો હતો જેથી ફરીયાદીએ આરોપીનો સપર્ક કરી દસ્તાવેજ કરી આપવા કહેતા આરોપીએ મિલ્કત અન્યને વેચી દીધાનું જણાવતા સોદો રદ કરી ફરીયાદીએ સોદા પેટે આપેલ રકમ, ચાર્જ, વ્યાજ તથા નફા સાથે પરત કરી આપવા માટે બિલ્ડરે નોટરીરાઈઝ લખાણ કરી ફરીયાદીને રૂ.૧૭ લાખના બે ચેક આપેલ હતા. જે બંને ચેક પરત ફરતા ખરીદનારે કોર્ટમાં ફરિયાદ કરેલ હતી જે કેસ ચાલી જતા કોર્ટે આરોપીને દોઢ વર્ષની સજા અને બંને ચેક મુજબની રકમ ૩૦ દિવસમાં ફરીયાદીને પરત ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો જે હુકમ સામે આરોપી દ્વારા અપીલ દાખલ કરી હતી. જે અપીલ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ ફરીયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટનો હુકમ માન્ય રાખી આરોપીની અપીલ રદ કરતો હુકમ કર્યો હતો. ફરીયાદી વતી ધ રાજપુતાના લો હાઉસના ધારાશાસ્ત્રી ભરતસિંહ જે.ગોહીલ, કિર્તીરાજસિંહ એચ. ઝાલા, પી.બી.ગોહીલ, કશ્યપ ભટ્ટ, વનરાજસિંહ ડોડીયા અને ભાવીનભાઈ પટેલ રોકાયા હતા.

