(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬ઃ
જામનગર તા ૨૬, જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે અલગ-અલગ સ્થળે પાંચ દરોડા પાડી કુલ ૧૫ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા જુગારના આ પાંચ બનાવોમાંથી કુલ રૂ.૫૩,૩૮૦ની રોકડ રકમ અને જુગારનો અન્ય સામાન કબજે કરવામાં આવ્યો હતો.
સિક્કા પોલીસ સ્ટેશનના સરમત ગામે પંચાયતના તળાવના કાંઠે જાહેરમાં ટોર્ચના અજવાળે પત્તા વડે જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.૪૯,૩૦૦ રોકડા અને ૫૨ પત્તા મળી આવ્યા હતા. પોલીસે માલદેભાઈ વર્જંગભાઈ લુણા, નરેન્દ્રભાઈ દાનાભાઈ ખુંગા, રાજેન્દ્રસિંહ ભીખુભા ઝાલા, ભીમાભાઈ મોમાભાઈ પરમાર, નીરુભા અજીતસિંહ જાડેજા, ભીમાભાઈ દાનાભાઈ ભાભી, માવુભા ખુમાનસિંહ જાડેજા અને વિશ્વજીતસિંહ ગંભીરસિંહ જાડેજા સામે કાર્યવાહી કરી હતી.
જામજોધપુર પોલીસ દ્વારા અમરાપર ગામે પટેલ સમાજ પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે ત્રણ પત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.૩,૧૫૦ રોકડા અને ૫૨ પત્તા કબજે કરવામાં આવ્યા હતા.મેઘપર (પડાણા) પોલીસે મોટી ખાવડી ગામે વિનાયક પેટ્રોલ પંપની પાછળ વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા મુકેશભાઈ મોતીભાઈ વાજાને રૂ.૪૭૦ની રોકડ અને જુગારના સાધન સાથે ઝડપી લીધો હતો.
પંચ એ ડિવિઝન પોલીસે મિયાત્રા ગામના બસ સ્ટેન્ડ પાસેથી વરલી મટકાના આંકડા લખતા શિવરાજસિંહ ઉર્ફે ભુરો મહિપતસિંહ કંચવાને રૂ.૨૪૦ સાથે ઝડપી લીધો હતો. તેમજ હાપા ચાંદની ચોક ટાવર પાસેથી વરલી મટકાના આંકડા લખતા કરણભાઈ દેવશીભાઈ સુરાણીને રૂ.૨૨૦ સાથે ઝડપી લેવાયો હતો.આમ, જિલ્લામાં પાંચ જુગારના કેસમાં કુલ ૧૫ શખ્સો ઝડપાયા હતા અને રૂ.૫૩,૩૮૦ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.

