પાંચ દિવસમાં ૩,૮૨૫ વીજજોડાણો ચકાસ્યા, ૫૩૨માં વીજચોરી ઝડપાઈ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬ઃ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલના જામનગર સર્કલ દ્વારા ગત તા.૨૧ સપ્ટેમ્બરથી તા.૨૫ સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ દરમિયાન સઘન વીજચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વીજચોરી અટકાવવા માટે બંને જિલ્લામાં કુલ ૫૨ ટીમોને મેદાનમાં ઉતારીને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજજોડાણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
પીજીવીસીએલની ટીમો દ્વારા જામનગર શહેર ઉપરાંત જામનગર, લાલપુર, કાલાવડ, ધ્રોલ અને કલ્યાણપુર તાલુકા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને ખંભાળિયા તાલુકાના વિવિધ ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. પાંચ દિવસ દરમિયાન કુલ ૩,૮૨૫ વીજજોડાણોની તપાસ કરવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન કુલ ૫૩૨ વીજજોડાણોમાં વીજચોરી ઝડપાઈ હતી. આ વીજચોરીના કેસોમાં પ્રાથમિક આકારણી મુજબ કુલ રૂ.૫૮૪ લાખ એટલે કે અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી હોવાનું પીજીવીસીએલના જામનગર સર્કલના આંકડામાં સામે આવ્યું છે.પીજીવીસીએલ દ્વારા પાંચ દિવસ સુધી સતત ચલાવવામાં આવેલી આ મેગા વીજચેકિંગ ઝુંબેશમાં મોટી સંખ્યામાં વીજચોરીના કેસો સામે આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી એકસાથે તપાસ હાથ ધરાતા વીજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

