વેકેશનમાં કામગીરી કરાવ્યા બાદ વળતર રજાની પણ સર્વિસબુકમાં એન્ટ્રી નહીં થતાં કર્મચારીઓમાં રોષ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૮ઃ
અમરેલી જિલ્લામાં ઉનાળાના વેકેશન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને કામગીરી પૂર્ણ થયાના ત્રણ મહિના બાદ પણ વેતન કે વળતર મળ્યું નથી. એટલું જ નહીં, વેકેશનના સમયગાળામાં કામગીરી કરનારા કર્મચારીઓને મળવાપાત્ર વળતર રજા મંજૂર કરી તેની સર્વિસબુકમાં એન્ટ્રી પણ કરવામાં ન આવતા આ અંગે અમરેલી જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર અમરેલીએ એક પરિપત્ર પાઠવી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી છે. ત્યારે વહીવટી તંત્રની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
અમરેલી જિલ્લામાં ઉનાળાના વેકેશન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી માટે શિક્ષકો સહિતના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હતી. કામગીરી દરમિયાન કર્મચારીઓ પાસેથી કાળઝાળ ગરમીમાં પણ ટાર્ગૅટ મુજબ કામગીરી કરાવવામાં આવી હતી. અને કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ પૂર્ણ પણ કરી હતી. પરંતુ કામગીરી પૂર્ણ થયાને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કામગીરીનું વેતન ચૂકવવામાં આવ્યું ન હોવાની વ્યાપાક ફરિયાદો સામે આવી છે.
માત્ર વેતનનો પ્રશ્ન જ નહીં, પરંતુ વેકેશનના સમય ગાળામાં સરકારી કામગીરી બજાવનારા કર્મચારીઓને મળવાપાત્ર વળતર રજા મંજૂર કરી તેની સર્વિસબુકમાં જરૂરી એન્ટ્રી કરવાની કામગીરી પણ કરવામાં આવી નથી. કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા આખરે આ અંગે અમરેલી જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર અમરેલીએ એક પરિપત્ર પાઠવી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી છે.
આ મુદ્દે અધિકારીઓ દ્વારા અત્યાર સુધી કેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેવો સવાલો પણ ઉઠી રહ્યો છે. અને વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન કર્મચારીઓને ટાર્ગૅટ આપનારા અધિકારીઓ કામગીરી પૂર્ણ થયા બાદ કર્મચારીઓના હક્કના વેતન અને વળતર રજાના મામલે મૌન કેમ ધારણ કરી બેઠા છે? તે અંગે પણ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. કામગીરી કરાવતી વખતે તંત્રને કર્મચારીઓની જરૂરિયાત રહે છે, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ તેમના હક્કના લાભો આપવામાં કેમ વિલંબ કરવામાં આવે છે? તેવો પ્રશ્ન હવે ચર્ચાનો વિષય બન્યો છે.
સરકાર વિવિધ યોજનાઓ, કાર્યક્રમો અને અન્ય ખર્ચાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચી શકે છે, પરંતુ સરકારી કામગીરીમાં વેકેશન દરમિયાન ફરજ બજાવનારા કર્મચારીઓને સમયસર વેતન ચૂકવવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? જો વેતન ચૂકવવામાં વહીવટી કે નાણાકીય કારણોસર વિલંબ હોય તો પણ વળતર રજાની મંજૂરી અને સર્વિસબુકમાં એન્ટ્રી જેવી વહીવટી કાર્યવાહી અટકાવવાનું કારણ શું? તેવો સવાલ કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
અન્ય જિલ્લાઓમાં આવી કામગીરી બાદ કર્મચારીઓને મળવાપાત્ર લાભો અંગેની કાર્યવાહી સુપેરે પૂર્ણ કરવામાં આવી હોવાના દાવા વચ્ચે અમરેલી જિલ્લામાં જ આવી સ્થિતિ કેમ સર્જાઈ છે તે અંગે પણ તપાસ જરૂરી બની છે. કર્મચારીઓના હક્કના વેતન અને રજાના લાભમાં વિલંબ માટે જવાબદાર અધિકારીઓ સામે વહીવટી સ્તરે તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે.
કામગીરી કરાવતી વખતે ટાર્ગૅટ અને સમય મર્યાદાનો આગ્રહ રાખનાર તંત્ર કામગીરી પૂર્ણ થયા બાદ કર્મચારીના હક્કના વળતર માટે કેમ સમય મર્યાદા વહીવટીતંત્ર કેમ નક્કી કરતું નથી? નાના કર્મચારીઓ પાસેથી સમયસર કામગીરી કરાવ્યા બાદ તેમના હક્કના લાભો આપવામાં વિલંબ કરવો એ કર્મચારીઓ પ્રત્યે અન્યાય સમાન હોવાનું જણાવી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.
હવે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી, વસ્તી ગણતરીની કામગીરી કરનારા તમામ કર્મચારીઓને મળવાપાત્ર વેતન ચૂકવવા સાથે વળતર રજા મંજૂર કરી તેની સર્વિસબુકમાં એન્ટ્રી કરવામાં આવે અને બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કર્મચારીઓના હક્કના વળતરમાં વિલંબ કરનારા જવાબદારો સામે તંત્ર ક્યારે પગલાં ભરશે? તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે.

